નવી દિલ્હી તા. રર :આવકવેરા વિભાગ કોરોના મહામારી દરમ્યાન ઝડપભેર ગયા વર્ષના રિફંડો કાઢી રહ્યો છે.વિભાગના સુત્રોનું માનીએ તો લગભગ ૧.૭પ લાખ લોકોને સુધારેલી માહિતી માટે ઇ-મેલ મોકલાયા છે,જેના જવાબો આવી ગયા પછી તેમને પણ રિફંડ આપી દેવાશે.અત્યાર સુધીમાં ૯૦૦૦ કરોડ રૂપિયાથી વધારેના રિફંડ મોકલી દેવાયા છે.વિભાગ તરફથી બધા લોકોને મળેલા ઇ-મેલ પછી લોકોને પરેશાની ચાલુ થઇ હતી કે તેની સફાઇ કેવી આપવી.
આવકવેરા વિભાગ તરફથી લોકોને જે ઇ-મેલ મોકલાઇ રહ્યા છે,તેમાં લોકોના રિફંડ કલેમ અંગે કન્ફર્મેશન પણ માંગવામાં આવી રહયું છે.આવકવેરા વિભાગના પોર્ટલ પર બે માંથી એક વિકલ્પ પસંદ કરવાનું હોય છે.પહેલા વિકલ્પમાં કરદાતાએ એ જણાવવાનું છે કે જે પણ રિફંડ માંગવામાં આવ્યું છે તે સાચુ છે.તો બીજા વિકલ્પમાં તેમાં સુધારો કરવાની તક અપાય છે.કરદાતા દ્વારા તેને ફરીથી ફાઇલ કર્યા પછી વિભાગ દ્વારા રિફંડ મોકલવામાં આવે છે.આ ‘નેમલેસ’ અને ‘ફેસલેસ’ પ્રક્રિયા હેઠળ ફકત પાંચ લાખ સુધીના રિફંડ જ મોકલવામાં આવે છે.વિભાગની રીસ્ક મેનેજમેન્ટ સીસ્ટમ રિટર્નમાં સુધારો કરવા માટે ૩૦ દિવસનો સમય પણ આપે છે.