કોરોના મંદીને મહામંદી બનતી અટકાવવા સેન્ટ્રલ બૅન્કોને હજી વધુ રાહત-પૅકેજ આપવા પડશે અને વધુ નાણાં છાપવા પડશે.વ્યાજદરોને પણ લાંબો સમય અસાધારણ નીચા રાખવા પડશે. આ સપ્તાહે ફેડ, યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને બૅન્ક ઑફ જપાનની પૉલિસી મીટિંગ મળવાની છે. ફેડ હવે કદાચ હાર્ડ કૅશના સ્વરૂપમાં રાહત-પૅકેજ આપે. ઈસીબીને ઇટલીના અર્થતંત્રને બચાવવા, યુરોને તૂટતો રોકવા મને કમને પણ બૉન્ડ બાઇંગ વધારવું પડશે. અમેરિકાએ અકલ્પનીય માત્રામાં લિક્વિડિટી વધારી દેતાં અમેરિકાની બજેટ ડેફિસિટ ૨૦૨૩ સુધીમાં ૪૦૦૦ અબજ થવાની ધારણા છે.૨૦૨૦માં બજેટખાધ જીડીપીના ૧૮ ટકા પણ થઈ શકે છે.આર્થિક મંદીનો સૌથી મોટો માર જી-૭ દેશોમાં કૅનેડાને પડે એમ લાગે છે.હાલમાં કૅનેડાની આર્થિક નીતિઓ અલ્ટ્રા સોસિયાલિસ્ટ પ્રકારની રહી છે.દરેક ઉદ્યોગ અને નાગરિકને નાણાકીય મદદ આપવાની નીતિઓના કારણે કૅનેડાનું દેવું જીડીપીના ૩૫૦ ટકા જેવું વધી ગયું છે.
જી-૭ દેશોમાં માત્ર કૅનેડા અને જર્મની જ ‘ટ્રિપલ-એ’ રેટિંગ ધરાવે છે. બજેટ ડેફિસિટ અને કૅનેડિયન ડૉલરની મંદી જોતાં આ રેટિંગ ભરોસાપાત્ર ન ગણાય. કૅનેડિયન ડૉલર ૧.૨૦થી ઘટીને ૦.૭૧૦૦ થઈ ગયો છે અને આગળ પર ૦.૬૦ થવાની ધારણા છે.ક્રૂડના ભાવો તૂટતાં અને ઔદ્યોગિક મંદી વકરતાં જી-૭ દેશોમાં કૅનેડાને સૌથી વધુ નુકસાન થશે.
ક્રૂડ ઑઇલની મંદીના સંદર્ભ અને ઓદ્યોગિક મંદીના સંદર્ભમાં કૉમોડિટી નિકાસકાર દેશોની કરન્સી દબાણમાં આવી છે અને કરન્સી બજારમાં સૌથી વધારે રિસ્કી ઝોન લેટિન અમેરિકા દેખાય છે.અનસ્ટેબલ પૉલિટિકસ,અનસ્ટેબલ ઇકૉનૉમિકસ અને ડ્રગ્સ, ગુનાખોરી અને નબળા ગવર્નન્સ અને ભ્રષ્ટાચારને કારણે જ્યારે પણ ક્રાઇસિસ આવે ત્યારે આ દેશોની કરન્સી મોટી તકલીફમાં આવે. એક વરસમાં મેક્સિકો પેસો ૨૦ ટકા,ચીલી પેસો ૧૫ ટકા, આર્જેન્ટિના પેસો ૪૦ ટકા તૂટયા છે. કોલમ્બિયા પેસો,બ્રાઝિલ રિયાલ પણ ૧૫-૨૦ ટકા તૂટ્યા છે.હવે કોરોના લેટિન અમેરિકા અને કૅરિબિયન બાજુ પણ દેખાયો છે.નવા કેસો વધ્યા છે.
અન્ય કૉમોડિટી કરન્સીમાં સાઉથ આફ્રિકન રેન્ડ, કૅનેડિયન ડૉલર અને ઇન્ડોનેશિયા રૂપિ, ટર્કી લીરા પણ તૂટ્યા છે.સરકારો માટે કોરોના હેલ્થ ક્રાઇસિસ કાબૂમાં રાખવા ઉપરાંત આર્થિક કટોકટી પણ કાબૂમાં રાખવી એમ બેવડા પડકાર છે.ધીમે-ધીમે લૉકડાઉન હટે,ધંધા-રોજગાર શરૂ થાય અને સંક્રમણ પણ કાબૂમાં રહે એવો બધી સરકારનો ઉદ્દેશ છે.
બજારોની વાત કરીએ તો રૂપિયો ૭૬.૪૦ના મથાળે ટકેલા જેવો હતો.ફેસબુકે રિલાયન્સ જિયોમાં અંદાજે ૫.૭ અબજ ડૉલર મૂડી રોકીને ૯.૯૯ ટકા શૅરો ખરીદ્યા છે.ફૉરેક્સ રિઝર્વ પણ વધીને ૪૭૯ અબજ ડૉલર થયું છે.આગળ જતાં સરકાર સીધા વિદેશી રોકાણને ઉત્તેજન આપે,ફૉરેક્સ બૉન્ડ બહાર પાડે એ જોતાં રૂપિયામાં સુધારો આવી શકે.હાલના સ્તરે રૂપિયાની એકંદરે બ્રૉડ રેન્જ ૭૪.૫૦-૭૭.૫૦ ગણાય.ક્રૂડની મંદી,સોનાની આયાતમાં ઘટાડો,આયાતબિલમાં ઘટાડા માટે બે મોટાં પરિબળ છે.
શૅરબજારોની વાત કરીએ તો ડાઉની આગેવાનીએ લગભગ બધાં બજારોમાં મોટા ભાગનો ઘટાડો ધોવાઈ ગયો છે.કોવિડ વૅક્સિનની શોધમાં આગળ પડતા ફાર્મા શૅરો કૂદકે ને ભૂસકે વધ્યા છે.યુરોપમાં મોટી ઑટો કંપનીઓ અને હેવી મશીનરી કંપનીઓએ ફરી કામકાજ શરૂ કર્યાં છે. યુરોપ-અમેરિકામાં નવા કેસો આવતા ઘટ્યા છે.જોકે ઘણા દેશોમાં મે મહિના સુધી લૉકડાઉન છે.
યુરોપમાં ઇટલીનું અર્થતંત્ર સંકટમાં છે અને એને તાકીદે નાણાકીય સહાય જોઈએ છે.મદદ ન મળે તો યુરોપમાંથી નીકળી જવાની જૂની જાણીતી ધમકી ઇટલીએ ફરી ઉચ્ચારવા માંડી છે.ઈસીબીને યુરો તૂટતો રોકવા યુરો બ્લૅકમેઇલિંગને વશ થવું પડે એમ છે.ઇટલીને મદદ કરાય તો સાઉથ યુરોપના અન્ય દેશો સ્પેન,પોર્ટુગલ,ગ્રીસ લાઇનમાં ઊભા જ છે.નાણાકીય મદદને આપવા સામે નૉર્થ યુરોપનો વિરોધ છે.એશિયામાં જપાનમાં કટોકટી લંબાવા, છે. ચીન અને કોરિયામાં ફરી વેપાર-ધંધા શરૂ થયા છે.