ભારતીય કંપનીઓએ લોકડાઉનના સમયગાળામાં પણ બીએસઈના બોન્ડ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ~52,000 કરોડ ઊભા કરી લીધા છે.આ પ્લેટફોર્મ પરથી કંપનીઓએ કોમર્શિયલ પેપર્સ(CP) અને કોર્પોરેટ બોન્ડ્સ ઈશ્યૂ કરીને આ ફંડ મેળવ્યું છે. 23 માર્ચે લોકડાઉન શરૂ થયું ત્યારથી 20 એપ્રિલ દરમિયાન બીએસઈ બોન્ડ પ્લેટફોર્મ પરથી કંપનીએ કોમર્શિયલ પેપર મારફતે ~26,666 કરોડ ઊભા કરી લીધા છે,જ્યારે મીડિયમ અને લોંગ ટર્મ બોન્ડ્સ મારફતે ~25,323 કરોડ ઊભા કરી લીધા હોવાનું એક્સચેન્જે કહ્યું હતું.
કુલ છ સરકારી કંપનીઓએ અને 21 ખાનગી સેક્ટરની કંપનીઓએ કોમર્શિયલ પેપર ઈશ્યૂ કર્યા હતા. એ જ રીતે ત્રણ સરકારી કંપનીઓ અને 15 ખાનગી કંપનીઓએ મીડિયમ અને લોંગ ટર્મ બોન્ડ્સ ઈશ્યૂ કર્યા હતા. બીએસઈ બોન્ડ પ્લેટફોર્મ કંપનીઓને રિમોટલી સેટ અપની સવલત પૂરી પાડે છે અને તે લોકડાઉનના સમયગાળા દરમિયાન પણ સબસ્ક્રીપ્શન માટે ઓપન જ છે. રોકાણકારો ઓનલાઈન તેમની બિડ આપી શકે છે અને ઈન્ડિયન ક્લીયરિંગ કોર્પોરેશન(ICCL) મારફતે આપોઆપ જ સેટલમેન્ટ થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે વિતેલા નાણાકીય વર્ષ 2019-20માં આ પ્લેટફોર્મ મારફતે 116 કંપનીઓએ CP ઈશ્યૂ લાવીને ~4.33 લાખ કરોડ ઊભા કરી લીધા હતા. એ જ રીતે 21 કંપનીઓએ બોન્ડ્સ મારફતે ~3.36 લાખ કરોડ ઊભા કર્યા હતા.