નવી દિલ્હી/મુંબઈ
એમસીએક્સમાં ક્રૂડ ઓઈલના ફ્યૂચર્સ કોન્ટ્રેક્ટના ટ્રેડ સેટલમેન્ટ મામલે સેબી એક્શનમાં આવી ગઈ છે અને આ મામલે તપાસ કરશે. એમસીએક્સે વચગાળાની વ્યવસ્થા તરીકે બેરલદીઠ ~1ના ભાવે સેટલમેન્ટ કરતા કેટલાક ટ્રેડર્સના મતે આ ભાવને કારણે શોર્ટ પોઝિશન લેનારા લોકોના ભોગે કેટલાક મોટા બ્રોકર્સ કરોડો રૂપિયાનું નુકસાન ટાળી શકશે. અધિકારીઓએ કહ્યું હતું કે ક્રૂડમાં જે કટોકટી ઊભી થઈ છે તેનાથી સેબી વાકેફ છે અને તે સક્રિય રીતે સમગ્ર બાબત જોઈ રહી છે. સરકારી અધિકારીઓ સમક્ષ પણ આ મુદ્દો ઊભો થયો છે અને તેઓ ઈચ્છે છે કે જો એમસીએક્સે નિયમો વિરુદ્ધ કંઈ કર્યું હશે કે કોઈ એક ટ્રેડરના ફાયદા માટે પ્રયાસ કર્યો હશે તો તેની સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. ક્રૂડ ઓઈલ ફ્યૂચર્સ કોન્ટ્રેક્ટના ભાવમાં તરરાષ્ટ્રીય બજારમાં ભયાનક કડાકો બોલી જતા નેગેટિવ ટેરિટરીમાં સરકી ગયા હતા. ભારતના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ મલ્ટિ-કોમોડિટી એક્સચેન્જ(MCX)એ વચગાળાના સેટલમેન્ટ ભાવ તરીકે બેરલદીઠ ~1નો ભાવ નક્કી કર્યો હતો. જોકે ત્યારબાદ મંગળવારે એક્સચેન્જે ~(-)2884ના અંતિમ ભાવે સેટલમેન્ટ કર્યું હતું.
એમસીએક્સે કહ્યું હતું કે તેના એક્સચેન્જ પર છેલ્લાં 15 વર્ષથી ક્રૂડ ઓઈલ ફ્યૂચર્સ કોન્ટ્રેક્ટ ટ્રેડ થાય છે અને હંમેશા જે એક્સપાયરી તારીખ હોય તે દિવસના ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના બંધ ભાવ અને તે મુજબ ભારતીય કરન્સી રેટ(ડોલર સામે) મુજબ જ સેટલમેન્ટ થાય છે અને આ કિસ્સામાં પણ એવું જ થશે. અને એટલા માટે જ તેણે અંતિંમ સેટલમેન્ટ ભાવ બેરલદીઠ 37.63 મુજબ અને ડોલર સામે રૂપિયો 76.6335 રેટ મુજબ ભારતમાં ક્રૂડ ઓઈલના ફ્યૂચર્સ કોન્ટ્રેક્ટ ભાવ ~(-)2884 મુજબ જ સેટલમેન્ટ કરવામાં આવ્યું છે. પ્રોવિઝનલ અને ફાઈનલ સેટલમેન્ટ નો જે તફાવત છે તે 21 એપ્રિલ અને 22 એપ્રિલ માટેના ટ્રેડમાં સેટલ થઈ જશે.
સોમવારે રાત્રે ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયરી(WTI) ક્રૂડ ઓઈલના મે 2020ના ફ્યૂચર્સ કોન્ટ્રેક્ટ બેરલદીઠ -37.63 ડોલરના અભૂતપૂર્વ ભાવે સેટલ થયા હતા. કોરોના વાયરસને પગલે વૈશ્વિક સ્તર પર માંગ ઘટી જવાથી અને ઓઈલની સ્ટોરેજ કેપેસિટી પૂરી થઈ ગઈ હોવાને પગલે ભાવમાં કડાકો બોલી ગયો હતો. અગાઉ એમસીએક્સે વચગાળાના માર્ગરૂપે પ્રોવિઝનલ સેટલમેન્ટ ભાવ બેરલદીઠ ~1 જાહેર કર્યા હતા. ટ્રેડર્સે તે અંગે કહ્યું હતું કે એમસીએક્સ ક્રૂડ ઓઈલમાં 11,522 કોન્ટ્રેક્ટ્સમાં ઓપન પોઝિશન રહી છે. મતલબ કે પાયરી વખતે આટલા કોન્ટ્રેક્ટમાં પોઝિશન ઊભી રહી હતી. ફ્યૂચર્સ બાય પોઝિશન અને ફ્યૂચર્સ સેલ પોઝિશન સરખી હોવી જોઈએ અને એ મુજબ 11,522 સેલ કે શોર્ટ પોઝિશન ઊભી રહી હોવી જોઈએ. અનેક ટ્રેડર્સે કહ્યું હતું કે ~1નો સેટલમેન્ટ ભાવ નક્કી કર્યો તેનાથી જે લોકોએ આ 11,522 શોર્ટ પોઝિશન ઊભી રાખી હશે તેમને જે ફાયદો થવો જોઈએ તે નહીં થાય.
અધિકારીઓએ કહ્યું હતું કે વચગાળાનો સેટલમેન્ટ ભાવ નક્કી કરવાનો નિર્ણય કેટલાકને જંગી નુકસાન થતું અટકાવવા માટે લેવાયો હતો કે કેમ તે અંગે તપાસ થવી જરૂરી છે. જે પ્રેક્ટિસ છે તે મુજબ સોમવારે રાત્રે ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયરી(WTI) ક્રૂડ ઓઈલના મે 2020ના ફ્યૂચર્સ કોન્ટ્રેક્ટ બેરલદીઠ -37.63 ડોલર મુજબ MCXમાં બેરલદીઠ ~(-2860)ના સેટલમેન્ટ પ્રાઈસ ડિફરન્શિયલ મુજબ સેટલમેન્ટ થવું જોઈએ. સોમવારે સાંજે 5 વાગે છેલ્લો ટ્રેડ ~965ના ભાવે થયો હતો તે મુજબ સેટલમેન્ટ પ્રાઈસ ~3825(965+2,860) થવા જોઈએ.
જોકે એમસીએક્સે ~1નો ભાવ નક્કી કર્યો હોવાથી ~965ના ભાવે જેમની પોઝિશન ઊભી હશે તેમને માત્ર ~1 સુધીનો જ નફો થશે અને આ રીતે બેરલદીઠ તેમને ~2860 જેવું નુકસાન કે ખોટ થશે. એમસીએક્સ ખાતે 100 બેરલનો 1 કોન્ટ્રેક્ટ જોતા કુલ ઓપન પોઝિશન 11,55,200 બેરલની થાય. આ રીતે કુલ ~440 કરોડથી વધુનું જંગી નુકસાન(બેરલદીઠ ~3825ના ભાવને આધારે) થાય. જ્યારે ~1નો ભાવ નક્કી કરવાથી નુકસાન ~110 કરોડનું જ અટકાવી શકાય. આ રીતે શોર્ટ કે સેલ પોઝિશન લેનારા લોકોના ભોગે મોટા બ્રોકર્સને ~330 કરોડ જેવું જંગી નુકસાન થતું અટકાવી શકાય.


