નવી દિલ્હી, તા.29 એપ્રિલ 2020, બુધવાર
કોરોના સંકટને લઈને સોમવારે પીએમ મોદીએ દેશના તમામ સીએમ સાથે યોજેલી બેઠકમાં ભલે એમ કહ્યુ હોય કે દેશની ઈકોનોમીને લઈને ટેન્શન લેવાની જરુર નથી પણ તેમની જ સરકારના પૂર્વ આર્થિક સલાહકાર અરિવંદ સુબ્રમણ્યમ તો અલગ જ ચેતવણી આપી રહયા છે.
અરિવંદ સુબ્રમણ્યમે કહ્યુ છે કે,દેશની ઈકોનોમી સારી સ્થિતિમાં નથી અને આ વર્ષે નેગેટિવ ગ્રોથ જોવા મળે તેવી પૂરી શક્યતા છે.જે માટે ભારતે તૈયાર રહેવુ પડશે.કોરોના સંકટ ઈકોનોમી માટે પ્રલય સાબિત થશે અને આ બાબતને ધ્યાનમાં રાખીને ભારતે વધારાના 10 લાખ કરોડ રુપિયા ખર્ચવા માટે તૈયાર રહેવુ પડશે.
અરિવંદ સુબ્રમણ્યમ જે રકમની વાત કરી રહ્યા છે તે ભારતની કુલ જીડીપીના પાંચ ટકા જેટલી થવા જાય છે.તેમણે કહ્યુ હતુ કે, આ રોગચાળો એવા સમયે આવ્યો છે જ્યારે ભારતીય ઈકોનોમી સંઘર્ષ કરી રહી હતી.ભારતે જે લોકડાઉનની નીતિ અપનાવી છે તે પણ બીજા દેશોની સરખામણીમાં ઓછી ગંભીર નથી.ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ ભલે ભારતનો ગ્રોથ રેટ 1.9 ટકા રહેવાનુ અનુમાન કરી રહ્યુ હોય પણ મને લાગે છે કે,આ અનુમાન વિચિત્ર છે.ભારતે આ વર્ષ માટે નેગેટિવ ગ્રોથનુ ધ્યાન રાખીને પોતાની યોજના બનાવવી જોઈએ.


