અમદાવાદ: કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતના ખેડૂતો માટે વધુ એક મુશ્કેલી આવી ઉભી છે.સાયક્લોનિક સરક્યુલેશનની અસરને પગલે આગામી ૨૪ કલાકમાં રાજ્યમાં કેટલેક ઠેકાણે કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.આગાહી અનુસાર ભાવનગર,અમરેલી,ગીર સોમનાથ,નવસારી અને વલસાડમાં વરસાદ પડે તેવી સંભાવના છે.
દરમિયાન, સૌરાષ્ટ્રમાં પંથકમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો.બાબરા અને જસદણમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.બાબરાના કોટડાપીઠા,પીર ખીજડીયા સહિતના ગામોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી. તો બીજી તરફ ભાવનગર શહેર અને જિલ્લામાં 40 ડીગ્રી તાપમાન સાથે કાળઝાળ ગરમી વચ્ચે વલ્લભીપુરના વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો અને કમોસમી વરસાદી ઝાપટા વરસ્યા હતા.આકરા તાપ વચ્ચે વરસાદી માહોલથી હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.પરંતુ આ કમોસમી માવઠું ખેડૂતો માટે નુકશાનકારક બની રહેશે.
જામનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે.વાદળીયા વાતાવરણ છવાયેલુ રહે છે ત્યારે લાલપુર,કાલાવડ,જામજોધપુર પંથકના ગામડાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો.ગઈકાલે કાલાવડ તાલુકામાં બપોર પછી વાતાવરણમાં પલ્ટો આવતા આસપાસના ગામોમાં કરા સાથે કમોસમી વરસાદ પડયો હતો.28 એપ્રિલે લાલપુર તાલુકામાં પણ સાંજના સમયે ગ્રામ્ય પંથકમાં વરસાદ પડયો હતો. જેમા લાલપુર તાલુકાના રક્કા,ખટીયા,મોટા ખડબા અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. જામજોધપુર તાલુકાના સડોદર,સમાણા,દલદેવાડીયા,નરમાણા સહિતના આસપાસના ગ્રામ્ય પંથકમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ખૂબ જ બફારા વચ્ચે કરા સાથે વરસાદ વરસતા રોડ ઉપર પાણી ફરી વળ્યા હતાં.મહત્વનું છે કે, વરસાદથી ઉનાળુ પાકને નુકસાન પહોંચ્યું છે.તલી,મગફળી સહિતના પાક પર વરસાદી પાણી પડતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.