– જો હોટસ્પોટ સિવાયના વિસ્તારોમાં છુટ નહિં મળે તો લોકો રસ્તા પર આવે તેવી વકી : લોકડાઉન હળવું નહીં કરાય તો નોકરિયાત વર્ગ, રિક્ષાચાલકો, પ્લમ્બર, ઇલેકિટ્રશિયન, રોજમદારો, કમિશન એજન્ટો વગેરેની હાલત કફોડી બનશે
નવી દિલ્હી તા.૩૦ : લોકડાઉન પૂર્ણ થવાના આરે હવે ચાર દિવસ બાકી છે ત્યારે લોકોમાં લોકડાઉન લંબાવાશે કે પછી મોટા પાયે છુટછાટ અપાશે તે પ્રશ્નની ચર્ચા શરૂ થવા પામી છે.અમદાવાદના સરદારનગર વિસ્તારમાં લોકો અનાજ નહીં હોવાના કારણે રસ્તા ઉપર આવી ગયા તેના કારણે નીચલા મધ્યમ વર્ગ કહેવાય તેમનામાં પૈસા અને ધીરજ બન્ને ખુટી ગઇ હોય તેવું ઉપસ્યંુ છે.જો તંત્ર પાકટ અને વ્યવહારૂ નિર્ણય લઇને ગણતરીના હોટસ્પોટ વિસ્તારોને બાદ કરતા વધુ વિસ્તારોમાં લોકડાઉન જારી રાખશે તો લોકો કામ-ધંધા અને અનાજ માટે રસ્તા ઉપર આવીને દેખાવો કરવા લાગે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.
ગુજરાતમાં લોકડાઉનને સવા મહિના જેટલો સમય થઇ ગયો છે.આ ગાળામાં સરકારે વિવિધ વર્ગને રેશનિંગના અનાજથી લઇને રોકડમાં પણ સહાય પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે તેમ છતાં નાનો નોકરિયાત વર્ગ,રિક્ષાચાલકો,બાંધકામ સાઇટ ઉપર મજુરી કરતો વર્ગ,પ્લમ્બર,ઇલેકટ્રીશિયન,દુકાનોમાં કામ કરતા લોકો,રોજમદારો,કારીગરો,કમિશન એજન્ટો સહિત એવો વિશાળ વગ છે જેની પાસે હવે પૈસા અને ધીરજ બન્ને ખુટી રહી છે ખેડુતોના એકાઉન્ટમાં પૈસા નખાયા બાદ એપીએમસીમા પણ આંશિક કામકાજ શરૂ થયું છે.તો અતિ ગરીબ કે અંત્યોદય વર્ગને રેશનીંગનુ બે વખત વિનામુલ્યે અનાજ ઉપરાંત તેમના ખાતામાં એક હજાર રૂપિયા પણ અપાયા છે.પરંતુ તે સિવાયના લાખો લોકો એવા છે જેમની હાલત કફોડી થવા આવી છે અને કંઇ બોલી શકે કે કોઇની સમક્ષ હાથ લંબાવવો પણ મુશ્કેલ છે.તેના કારણે જ રાજયમાં અનેક સ્થળેથી એવી તસ્વીરો મળી રહી છે.કે લોકો કોરોનાના કારણે સંક્રમિત થવાનો ખતરો હોવા છતાં વેપાર-વ્યવસાય માટે ધીમે ધીમે બહાર નિકળી રહ્યા છે.જે વિસ્તારોમાં દુકાન ખોલવાની છુટ છે ત્યાં મોટાપાયે લોકો ઉમટી રહ્યા છે.જો કે અમદાવાદ,વડોદરા,રાજકોટ અને સુરતમાં મોલ-શોપિંગ કોમ્પ્લેકસ સહિત દુકાનો ખુલવા પામી નથી.તે સંજોગોમાં જયાં હોટ સ્પોટ વિસ્તારો નથી ત્યાં વહેલી તકે લોકડાઉન ઉઠાવી લેવા બૂમ ઉઠી રહી છે.


