ભારતમાં ગરીબોની મદદ માટે ખર્ચવા પડશે 65,000 કરોડ રૂપિયાઃ રાહુલ ગાંધીને રઘુરામ રાજનનો જવાબ

318

નવી દિલ્હી, તા. 30 એપ્રિલ 2020, ગુરૂવાર

ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર અને પ્રખ્યાત અર્થશાસ્ત્રી રઘુરામ રાજને લોકડાઉન બાદ આર્થિક ગતિવિધિઓ જલ્દી ચાલુ કરવાનો મત રજૂ કર્યો હતો અને કોરોના વાયરસનો સામનો કરવાની સાથે લોકોની આજીવિકા સુરક્ષિત કરવા જણાવ્યું હતું. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કરવામાં આવેલા સંવાદ દરમિયાન તેમણે દેશના ગરીબો, મજૂરો અને ખેડૂતોને પ્રત્યક્ષ ટ્રાન્સફર દ્વારા નાણાંકીય મદદ કરવી પડશે જેના માટે 65,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે તેમ કહ્યું હતું.

ગરીબોની મદદ કરવી જરૂરી છે

રાહુલ ગાંધીએ પુછેલા એક સવાલના જવાબમાં રાજને જણાવ્યું કે, સામાજીક સંવાદિતા જળવાય તેમાં લોકોની ભલાઈ છે અને આ પડકારજનક સમયમાં આપણે વિભાજિત રહેવાનું જોખમ ન લેવું જોઈએ. આપણું અર્થતંત્ર 200 લાખ કરોડથી પણ વધારે રૂપિયાનું છે અને આપણે 65,000 કરોડ રૂપિયા વાપરી શકીએ તેમ છીએ. સાથે જ તેમણે અર્થતંત્રને ફરીથી ધમધમતું કરી સાથે જ કોરોનાનો સામનો કરવા પગલા ભરતા રહેવાનું સૂચન કર્યું હતું.

રઘુરામ રાજને ભારતમાં કોરોનાની તપાસ મુદ્દે જણાવ્યું કે, અમેરિકામાં દરરોજ સરેરાશ 1,50,000 લોકોની તપાસ થઈ રહી છે અને અનેક નિષ્ણાંતો રોજના 5,00,000 ટેસ્ટ કરવા જણાવી રહ્યા છે. ભારતમાં આપણે દરરોજ 20-25 હજાર ટેસ્ટ કરી રહ્યા છીએ માટે આ સંજોગોમાં મોટા પ્રમાણમાં ટેસ્ટિંગની જરૂર છે.

વૈશ્વિક સ્તર પર અર્થતંત્ર અંગે તેમણે ગ્લોબલ આર્થિક સિસ્ટમમાં કોઈ ગરબડ હોવાની શંકા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, લોકો પાસે નોકરી નથી, જેમના પાસે નોકરી છે તેમને ભવિષ્યની ચિંતા છે, આવકની વહેંચણી અસમાન રીતે થઈ રહી છે માટે અવસરોનું યોગ્ય વિતરણ જરૂરી છે.

Share Now