રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને દોઢ વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે.પણ ચૂંટણીની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ચૂકી છે.ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી સક્રિય થઈ રહી છે.ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં દબદબો ઊભો કરવા પ્રયત્નો થઈ રહ્યા છે. રાજકોટ શહેરમાં કોઠારિયા ગામ નજીક બિલિપત્ર પાર્ટી પ્લોટ ખાતે આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખની સભાનું આયોજન કરાયું હતું.
આ સભામાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો વિરોધ કરવામાં આવ્યો હતો. હર હર મહાદેવના નારા સાથે વિરોધ કરતા તમામ લોકોની પોલીસે અટકાયત કરી છે.આ સભામાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને નેતાઓ સોશિયલ ડિસ્ટન્સ ભૂલી ગયા હતા.લોકો ટોળે વળીને બેઠા હતા. બિલીપત્ર પાર્ટી પ્લોટમાં પ્રદેશ પ્રમુખ ઈટાલિયાની સભાનું મોટું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાંથી ઘણાએ માસ્ક પણ પહેર્યું ન હતું.ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું ન હતું. આ સભા સ્થળની બાહર બ્રહ્મસમાજના લોકોએ હર હર મહાદેવના નારા લગાવ્યા હતા. ઈટાલિયા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.જોકે, મામલો વણસે એ પહેલા પોલીસે આ તમામ લોકોની અટકાયત કરી હતી.
આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા રાજકોટની મુલાકાતે આવ્યા હતા. અન્ય કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં જોડવા માટે એક ખાસ કાર્યક્રમનું આાયોજન કરવામાં આવ્યું હતું.આ દરમિયાન ઈટાલિયાની સભાની બાહર વિરોધ પ્રદર્શન થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.નારેબાજી કરતા લોકોની અટકાયત કરી હતી.રાજકોટમાં પણ પોલીસ દ્વારા માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થૂંકનાર વ્યક્તિ પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે.કોરોનાકાળ દરમિયાન જાહેરનામાં ભંગના 30 હજાર કરતા વધુ કેસ કરવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં રાજકોટ પોલીસે કુલ રૂ.26 કરોડ જેટલો દંડ વસુલ કર્યો છે.પણ આ કાર્યક્રમમાં કોઈ સામે માસ્ક દંડ લેવાયો નથી.રાજકોટ શહેરમાં જુદા જુદા પોઈન્ટ પરથી માસ્કનું ચેકિંગ કરવામાં આવે છે.ખાસ કરીને કાલાવડ રોડ,કોટેચા ચોક,એસ્ટ્રોન ચોક,ત્રિકોણબાગ,ભક્તિનગર સર્કલ પાસે સમયાંતરે ચેકિંગ થાય છે.જેની સામે પોલીસ દંડ વસુલ કરે છે.માત્ર રાજકોટ જ નહીં સોમનાથમાં પણ આમ આદમી પાર્ટીનો વિરોધ થયો હતો.ગોપાલ ઈટાલિયાએ જે તે સમયે વાકું બોલીને વિવાદ છેડ્યો હતો. જે મામલે હજુ રોષ શાંત થયો નથી.