– અસરગ્રસ્ત અધિકારી બુધવારની ઝોનની બેઠકમાં પણ હાજર હતા, 13 ક્વોરન્ટાઈન
અમદાવાદ,
સમગ્ર વિશ્વની જેમ ગુજરાતમાં પણ દિવસે ને દિવસે કોરોના વાયરસ ગંભીર રૂપ ધારણ કરી રહ્યો છે.ગુજરાતમાં પણ કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.આજના દિવસ સુધીમાં ગુજરાતમાં કોરોનાના કુલ 871 કેસ નોંધાઈ ચૂક્યા છે.જેમાંથી 36 લોકો કોરોનાના કારણે કાળનો કોળિયો બની ચૂક્યા છે.નોંધનીય છે કે ગુજરાતાં છેલ્લા એક જ દિવસમાં કુલ 105 નવા કેસ નોંધાયા હતા.આ ઉપરાંત આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા લોકોમાં ફફડાટ પેઠો છે.
કોંગ્રેસના ત્રણ નેતાઓના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ચાંદલોડિયા અને ઘાટલોડિયા વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર દેવેન ભટ્ટનો કોરોનાનો રિપોર્ટ આજે પોઝિટિવ આવતા બધા જ લોકોના જીવ અધ્ધર થઈ ગયા છે.આસિસ્ટન્ટ કમિશનરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના સાથી અધિકારીઓ અને કર્મચારીઓના જીવ પણ તાળવે ચોંટી ગયા છે.
નોંધનીય છે કે કોરોનાગ્રસ્ત કમિશનર દેવેન ભટ્ટ બુધવારના રોજ ઝોનની બેઠકમાં હાજર રહ્યા હતા.જેમાં ડે. કમિશનર સહિતના અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.આ બેઠકમાં ઉત્તર-પશ્ચિમ ઝોનના ચાર વોર્ડનો હેલ્થ સ્ટાફ પણ હાજર હતો. તેથી આ બેઠકમાં હાજર તમામ લોકોના સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને તેમાંથી 13 લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે આજે સરખેજ ખાતેની એક પોસ્ટ ઓફિસમાં એક પોસ્ટમેનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.જ્યારે એલજી હોસ્પિટલના બે ડોક્ટર્સ અને પાંચ કર્મચારીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા બાદ તેમના પરિવારના પાંચ વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.જ્યારે ગ્યાસુદ્દીન શેખનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.