મ્યુનિ. સાથે સંયુક્ત રીતે થયેલી હોમ ડિલીવીરની વ્યવસ્થા પણ બંધ મોડીસાંજે શાકભાજી ખરીદી લેવા લોકો ઘરોની બહાર દોડયાઃ
એપીએમસીના સંચાલકો કહે છે, તંત્ર વ્યવસ્થા કરે તો અમે વેચાણ કરવા તૈયાર
સુરત,
સુરતની એપીએમસી માર્કટમાં શાકભાજી વિક્રેતાઓનો ભારે ધસારો થતો હોવાથી સોશ્યલ ડીસ્ટન્સ જળવાતુ નહીં હોવાથી 14 મી એપ્રિલ સુધી માર્કેટ બંધ કરી દેવાતા સુરત શહેર દરરોજ જે 75 લાખ લોકોને શાકભાજી સપ્લાય થતુ હતુ. તે બંધ થઇ જશે. પાલિકા સાથે શરૃ કરાયેલી હોમ ડીલીવરી પણ અટકી પડશે. જ્યારે સુરત જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલે જણાવ્યું કે, શહેરીજનોએ હાલમાં શાકભાજી વગર ચલાવવું પડશે.
સહારા દરવાજા રોડ પરની એપીએમસીમાં શનિવારે જે અફડાતફડી થઇ હતી. તેના પગલે આજે સુરત જિલ્લા કલેકટરે એપીએમસીના સંચાલકો સાથે બેઠક કરી હતી. કલમ-144 નો ભંગ થતો હોવાથી માર્કેટ બંધ કરાવવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયને પગલે સુરત શહેર અને આજુબાજુના વિસ્તારોમાં 75 લાખ લોકોને મળતો શાકભાજીનો જથ્થો અટકી પડશે. એપીએમસીના ચેરમેન રમણ જાની અને સંદિપ દેસાઇએ જણાવ્યું કે, લોકડાઉનના પગલે રેલ્વે, ટેકસટાઇલ કે છુટક મજુરી કરતા કામદારો, શ્રમજીવીઓ હાલમાં રોજીરોટી મેળવવા માટે શાકભાજી વિક્રેતા બન્યા છે. અને ગઇકાલ શનિવારે એપીએમસીમાંથી પાસ આપવામાં આવે છે. તેવી વાતો ફેલાતા અંદર દોડી આવ્યા હતા. બહારની વ્યવસ્થા પોલીસે જાળવવાની જવાબદારી હતી. તેમ છતા પોલીસે પ્રોટેકશન નહીં આપતા ભીડ બેકાબુ બનીને અંદર ધસી આવી હતી. તંત્ર તરફથી પરવાનગી મળશે તો માર્કટ ફરીથી ચાલુ કરીશું. અમો શાકભાજી વેચવા માટે તૈયાર છીએ. આ સાથે જ પાલિકા સાથે મળીને જે હોમ ડીલીવરી સર્વિસ શરૃ કરાઇ હતી. તે આ બંધના કારણે બંધ થઇ જશે.
દરમ્યાન મોડી સાંજે સુરત શહેર પોલીસ કમિશ્નરે જે જાહેરનામુ બહાર પાડયુ હતુ.તેના પગલે આવતીકાલ સોમવારથી શાકભાજી નહીં મળવાની વાતોને લઇને માર્કટોમાં ખરીદી માટે દોડા દોડી કરતા ભીડો જોવા મળી હતી.
સોશિયલ ડિસ્ટન્સ નહી જળવાતા માર્કેટ બંધ કરાવીઃ કલેકટર
એપીએમસી બંધ કરવાને લઇને સુરત જિલ્લા કલેકટર ડૉ.ધવલ પટેલે જણાવ્યુ હતુ કે માર્કટમાં સોશ્યલ ડીસ્ટન્સ જળવાતુ નહીં હોવાથી બંધ કરી દેવાઇ છે. જેના કારણે શહેરીજનોએ હાલ તો શાક વગર ચલાવવુ પડશે. હાલની પરિસ્થિતિમાં આ નિર્ણય કરવો જરૃરી હતો.