અમદાવાદ : ગુજરાતની તમામ સરકારી અને ગ્રાન્ટેડ બી.એડ કોલેજોની ફાઈનલ પરીક્ષાની ઉત્તરવહીઓનું ચેકિંગ હવે સેન્ટ્રલાઈઝડ નહી કરવામા આવે.હાલની ઉનાળુ સત્રની પરીક્ષાઓથી ટીચર્સ યુનિ.એ હવે જે તે કોલેજમાં પોતાના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરાવવાનો નિર્ણય લેવાયો છે.રાજ્યમાં આવેલી ૫૯ જેટલી સરકારી અને ગ્રાન્ટેડ બી.એડ કોલેજો સરકારી ટીચર્સ યુનિવર્સિટી (આઈઆઈટીઈ) સાથે જોડાયેલી છે.આ બી.એડ કોલેજોની સેમેસ્ટર પરીક્ષાઓ ટીચર્સ યુનિ.દ્વારા લેવાય છે અને પરીક્ષાનું એસેસમેન્ટ યુનિ.દ્વારા સેન્ટ્રલાઈઝડ કરવામા આવે છે.યુનિ.દ્વારા ડિઝિટલ રીતે એસેસમેન્ટ કરવામા આવે છે.જેમાં ઉત્તરવહીઓ સ્કેનિંગ કરીને અધ્યાપકોને મોકલાય છે.જેમાં અધ્યાપકને કઈ કોલેજના વિદ્યાર્થીઓની ઉત્તરવહી તપાસે છે તેની જાણ હોતી નથી. ટીચર્સ યુનિ.દ્વારા હાલની ઉનાળુ સત્રની બી.એડની ફાઈનલ પરીક્ષાઓથી એસેસમેન્ટ સેન્ટ્રલાઈઝડને બદલે જે તે કોલેજ પાસે કરાવવા નિર્ણય લેવાયો છે.ઉત્તરવહી મૂલ્યાંકન તટસ્થ રીતે થાય અને કોલેજના અધ્યાપકો પોતાના વિદ્યાર્થીઓનું પરિણામ ઊંચુ લાવવા કે આપવા માટે છુટછાટ ન લેવાય તે માટે યુનિ.દ્વારા જુદા જુદા માપદંડો નક્કી કરીને કોમન ગાઈડલાઈન બનાવાશે અને જે તમામ બી.એડ કોલેજોને મોકલવામા આવશે.જેના આધારે જ કોલેજોના અધ્યાપકોએ મૂલ્યાંકન કરવાનું રહેશે.હાલ ટીચર્સ યુનિ.સાથે સંકળાયેલી ૫૯ બી.એડ કોલેજોના બંને સેમેસ્ટરના ૫ હજાર જેટલા વિદ્યાર્થીઓ છે.


