– છ મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામ આવવાની સાથે કોંગ્રેસમાં રાજીનામુ આપવાની શરૂઆત થઈ ગઈ છે.કોંગ્રેસ માટે સુરતમાં ચોંકાવનારુ પરિણામ આવ્યું છે.અહીં પાર્ટી ખાતુ ખોલાવી શકી નથી.ત્યારબાદ શહેર પ્રદેશ પ્રમુખે રાજીનામુ આપવાની જાહેરાત કરી છે.
સુરત : ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યાં છે.ગુજરાતમાં છ મહાનગર પાલિકામાં યોજાયેલી ચૂંટણીના પરિણામ મોટા ભાગે જાહેર થઈ ગયા છે.રાજ્યની છ મહાનગર પાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે.કોંગ્રેસ પાર્ટી આ ચૂંટણીમાં ખાસ પ્રદર્શન કરી શકી નથી. 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે આ મોટો ચિંતાનો વિષય છે.સુરતમાં પણ કોંગ્રેસનો પરાજય થતાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ રાયકાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
સુરત શહેર કોંગ્રેસ પ્રમુખે સ્વીકારી હારની જવાબદારી
પાટીદારોના ગઢ ગણાતા સુરત કોર્પોરેશનની ચૂંટણીનું પરિણામ કોંગ્રેસ માટે આંચકાજનક છે.સુરતમાં કોંગ્રેસને પાછળ છોડી આમ આદમી પાર્ટી આગળ નિકળી ગયું છે.આપને અહીં 23 બેઠકો મળી રહી છે,તો કોંગ્રેસ હજુ સુધી ખાતુ ખોલાવી શકી નથી. અત્યાર સુધી જાહેર થયેલા પરિણામ પ્રમાણે ભાજપે ફરી સુરત કોર્પોરેશનની સત્તા કબજે કરી લીધી છે.
કોંગ્રેસના આંચકાજનક પરાજય બાદ સુરત શહેરના પ્રમુખ બાબુભાઈ રાયકાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા ને પત્ર લખીને પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે.તેમણએ સુરત કોર્પોરેશનમાં થયેલા પાર્ટીના પરાજયની જવાબદારી પણ સ્વીકારી છે.આ સાથે બાબુભાઈએ પોતાને જવાબદારી સોંપવા માટે પાર્ટીનો પણ આભાર માન્યો છે.