અમદાવાદ : અમદાવાદ શહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.શહેરના પ્રખ્યાત અને જાણીતા બિલ્ડર ગ્રૂપ ધર્મદેવ ઈન્ફ્રા પર EDના સૌથી મોટા દરોડા પાડવામાં આવ્યા છે.મળતી માહિત મુજબ ધર્મદેવ કંપનીએ મસમોટી લોન લીધી અને તેની ચૂકવણીમાં ભારે વિલંબ થવાને કારણે આ રેડ પડી છે બીજી તરફ એજન્સીએ એ શંકા વ્યક્ત કરી છે કે લોન મેળવ્યા બાદ કંપનીએ અને તેના માલિક ઉમંગ ઠક્કરે મોટું ફુલેકું ફેરવ્યું છે. DHFLમાંથી હજાર કરોડથી વધુની લોન મેળવી હોવાના પ્રાથમિક અહેવાલ સામે આવ્યા છે.તમને જણાવી દઈએ કે ધર્મદેવ ઈન્ફ્રાની ગણના શહેરના પ્રખ્યાત બિલ્ડરોમાં થાય છે.
લોન પાસ કરવા મામલે થઈ રહી છે તપાસ
1000 કરોડથી વધુની લોન લઈ વિદેશમાં રોકાણ કરવા,ગ્રાહકો પાસેથી સર્વિસ ટેક્સ ઉઘરાવ્યા બાદ સરકારમાં જમા ન કરાવતા તેમજ પૂરતી તપાસ વગર જ DHFL દ્વારા લોન પાસ કરી દેવા મામલે ED દ્વારા ઊંડી તપાસ ચાલુ કરી દેવામાં આવી છે.
અગાઉ સર્વિસ ટેક્સના મુદ્દે પણ ધર્મદેવ કંપની વિવાદમાં આવી હતી આ વખતે કેન્સલ થયેલા પ્રોજેક્ટ માટે સબસીડરી કંપનીઓ દ્વારા આ કંપની લોન લીધી હોવાની શક્યતાઓ છે.જે બાદ ગ્રાહકો પાસેથી સર્વિસ ટેક્સ ઉઘરાવ્યા બાદ સરકારમાં જમા ન કરાવતા કંપની માલિકની પૂછપરછ કરાઇ રહી છે.
અગાઉ પણ થયા હતા વિવાદો
આ અગાઉ કોબ્રાપોસ્ટ ન્યુઝ પોર્ટલે કરેલા દાવા મુજબ દેશના સૌથી મોટા 31 હજાર કરોડના લોન કૌભાંડમાં સંપડાયેલી DHFL(દિવાન હાઉસિંગ ફાઈનાન્સિંગ લિમિટેડ) કંપનીએ સૌથી વધુ લોન ગુજરાતી બિઝનેસમેન ઉમંગ ઠક્કરના ધર્મદેવ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આપી છે.ધર્મદેવ ઈન્ફ્રા.એ DHFL પાસેથી 1160 કરોડ રૂપિયાની લોન લીધી હતી.ઉમંગ ઠક્કર આ સિવાય કેટલાય કન્સ્ટ્રક્શન અને લોન કૌભાંડમાં સંપડાયેલો છે. 2014માં 2.50 કરોડની સર્વિસ ટેક્સ ચોરીમાં ઉમંગની ધરપકડ પણ થઈ હતી.ધર્મદેવ ઇન્ફ્રા પર એક સમયે રાજકારણીઓના ચાર હાથ હોવાને કારણે સરળતાથી લોનો મળી હતી.હવે ઈડીની તપાસ શરૂ થતાં મોટા માથાઓના નામ બહાર આવે તેવી સંભાવના છે.


