રાજ્યમાં કોરોનાની મહામારી દરમિયાન લોકોને થોડી રાહત આપવા માટે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે.જેમાં સરકારે નક્કી કર્યુ છે કે હવે ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચાલકો પાસેથી માસ્ક સિવાયનો કોઈપણ જાતનો દંડ વસુલાશે નહીં.જોકે કોરોના મહામારીના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને માસ્કપહેરવું ફરજિયાત છે.સાથે માસ્ક યોગ્ય રીતે નહીં પહેરનારને પણ દંડ ચુકવવો પડશે.
આજે ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, હાલ પુરતો પોલીસ દ્વારા માસ્ક ના પહેરવા બાબતનો જ દંડ વસુલવામાં આવે અને માસ્ક સિવાયની અન્ય બાબતોની કલમ હાલ પુરતી લગાવવામાં આવે નહીં તેમજ દંડ પણ વસુલવામાં આવે નહીં.કેબિનેટ બેઠકમાં ટુ વ્હિલરઅને ફોર વ્હિલર મેમો આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.જેમાં કહેવામાં આવ્યું હતું કે પોલીસ દ્વારા ટુ વ્હિલર અને ફોર વ્હિલર વાહનોને મેમો આપવામાં આવે છે તેનાથી ટુ વ્હિલરનો ત્રણ થી ચાર હજાર દંડ થાય છે અને ફોર વ્હિલરનો આઠ થી દસ હજાર દંડ થાય છે અને વાહન ડિટેઈન કરવામાં આવે તો અઠવાડિયા સુધી છૂટતા નથી અને વાહન માલિકોને ગરમીમાં આર.ટી.ઓમાં લાંબી લાઈનમાં ઉભા રહેવું પડે છે.વાહનો ડિટેઈન થતા વાહન માલિકોને કોરોના મહામારીમાં હોસ્પિટલ જવામાં પણ મુશ્કેલી ઉભી થાય છે.આથી આ બાબતે સીએમ રૂપાણીએ માસ્ક સિવાય એક પણ જાતનો દંડ હાલ પુરતો નહીં લેવા માટે આદેશ આપ્યો હતો.


