નવી દિલ્હી : ભારતીય રેલવે તરફથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.રેલવે તરફથી 30મી જૂન સુધી તમામ ટ્રેનની ટિકિટ કેન્સલ કરી દેવામાં આવી છે. એટલે કે 30મી જૂન સુધી કોઇ પણ રેગ્યુલર કે સામાન્ય ટ્રેન નહીં ચાલે.હાલ કોઈ નવું રિઝર્વેશન પણ નહીં લેવામાં આવે.રેલવેના જણાવ્યા પ્રમાણે હાલમાં ફક્ત શ્રમિક ટ્રેન અને સ્પેશિયલ ટ્રેન જ દોડશે.
રિપોર્ટ પ્રમાણે ભારતીય રેલવે તરફથી કહેવામાં આવ્યું છે કે જે લોકોની ટિકિટ કેન્સલ કરવામાં આવી છે તેમને આઈઆરસીટીસી તરફથી બહુ ઝડપથી રિફંડ મળી જશે.હકીકતમાં લૉકડાઉનને પગલે 22મી માર્ચથી દેશમાં ટ્રેન સેવા બંધ છે.આ દરમિયાન આઈઆરસીટીસીમાં 14મી એપ્રિલ સુધી ટિકિટનું બુકિંગ થઈ રહ્યું હતું.22 માર્ચ પહેલા પણ લાખો લોકોએ ઑનલાઇન અને ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ ખરીદી હતી.જોકે,લૉકડાઉનની જાહેરાત બાદ ટ્રેનો બંધ થઈ ગઈ હતી અને લોકોના પૈસા અટવાયા હતા.હવે આ તમામ ટિકિટોને કેન્સલ કરી દેવામાં આવી છે અને રૂપિયા રિફંડ કરવામાં આવશે.
આ પહેલા બુધવારે સાંજે ભારતીય રેલવે તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે 22મી મેના રોજ સ્પેશિયલ ટ્રેનોમાં લિમિટેડ વેઇટિંગ લિસ્ટ શરૂ થશે. રેલવે આગામી થોડા દિવસોમાં જણાવશે કે કઈ કઈ ટ્રેનમાં આ સુવિધા મળશે.મુસાફરોને 15મી મેથી ટિકિટ બુકિંગ કરાવવા પર આ સુવિધા મળશે.
જોકે,વેઇટિંગ લિસ્ટની સંખ્યા નક્કી છે.AC 3 ટાયર માટે 100, AC 2 ટાયર માટે 50, સ્લિપર ક્લાસ માટે 200, ચેરકાર માટે 100 અને ફર્સ્ટ ક્લાસ અને એક્ઝિક્યુટિવ ક્લાસ માટે 20-20 ટિકિટની મર્યાદા નક્કી કરવામાં આવી છે.રેલવેનું આવું કરવા પાછળનો ઉદેશ્ય કન્ફર્મ ટિકિટની મારામારી ઓછી કરવાનો છે.
કોરોનાના લક્ષણો દેખાવા પર સંપૂર્ણ રિફંડ મળશે
એક અન્ય મહત્ત્વનો આદેશ કરતા રેલવે તરફથી કહેવામાં આવ્યુ છે કે કોરોના વાયરસના લક્ષણોને કારણે જો કોઈ મુસાફરને ટ્રેનમાં બેસવા નહીં દેવામાં આવે તો તેની ટિકિટના તમામ પૈસા પરત આપવામાં આવશે.