ભાજપના નેતા કિરીટ સોમૈયાની અટકાયત બાદ તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર આક્ષેપો કર્યા છે.તેમણે કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેના આદેશ પર જ તેમને સતારા જિલ્લાના કરાડ રેલવે સ્ટેશન પર અટકાયતમાં લેવામાં આવ્યા હતા.કિરીટ સોમૈયા આકરા પાણીએ છે અને આ કાર્યવાહી સામે હાઈકોર્ટમાં જશે.
સોમવારે મીડિયાને સંબોધતા તેમણે કહ્યું કે પોલીસે તેમને છ કલાક નજરકેદમાં રાખ્યા હતા.જ્યારે મેં આનું કારણ પૂછ્યું ત્યારે પોલીસ અધિકારીઓએ મને એક ઓર્ડરની નકલ સોંપી,પરંતુ બાદમાં જાણવા મળ્યું કે ઓર્ડર નકલી છે.તેમણે કહ્યું કે હવે મને એક નવો ઓર્ડર બતાવવામાં આવ્યો છે કે મને મુંબઈની બહાર જવાની પરવાનગી નથી.તેમણે કહ્યું કે પહેલો ઓર્ડર નકલી હતો.
સરકાર મારા અધિકારોનું ઉલ્લંઘન કરી રહી છે
ભાજપના નેતાએ કહ્યું કે મને કોલ્હાપુર જવાની મંજૂરી નથી.આ મારા અધિકારોનું ઉલ્લંઘન છે.હું આની સામે હાઈકોર્ટમાં અપીલ કરીશ. જણાવી દઈએ કે, કિરીટ સોમૈયા રવિવારે કોલ્હાપુર જિલ્લાની મુલાકાતે આવવાના હતા.તેમને ટ્રેનમાં કોલ્હાપુર જવાનું હતું.તે પહેલા તેમને મુંબઈમાં નજરકેદ કરવામાં આવ્યા હતા.કોલ્હાપુર જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે તેમનો જીવ જોખમમાં છે અને તેમની મુલાકાત કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડી શકે છે.
ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા
થોડા દિવસો પહેલા સોમૈયાએ ગ્રામીણ વિકાસ મંત્રી અને કોલ્હાપુરના કાગલ ધારાસભ્ય મુશ્રીફ પર ભ્રષ્ટાચારમાં સામેલ થવાનો અને તેમના પરિવારના સભ્યોના નામે બેનામી સંપત્તિ રાખવાનો આરોપ લગાવ્યો હતો,બાદમાં મંત્રીએ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.

