મુંબઈ : તા.28 જુન 2022,મંગળવાર : મહારાષ્ટ્રમાં રાજકીય રાજરમતમાં એક વખત ફજેતી થયા બાદ હવે બીજેપી સંપૂર્ણપણે સતર્કતા દાખવીને આગળ વધી રહી છે.ગઈકાલે સુપ્રિમ કોર્ટે બે અરજીઓના સંદર્ભમાં બળવાખોર ધારાસભ્યો પર 11મી જુલાઈ સુધી કોઈ નિર્ણય ન લેવા આદેશ કર્યો છે એટલેકે હવે શિંદે સમૂહ 11મી જુલાઈ સુધી સુરક્ષિત છે અને સામે પક્ષે અનેક રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ સમય બીજેપી માટે ગોલ્ડન ચાન્સ સાબિત થઈ શકે છે કે તેઓ શિંદે સમૂહ સાથે વાટાઘાટો કરી શકે.જોકે સુપ્રિમના આદેશના બીજા જ દિવસે એક મોટા અહેવાલ બહાર આવી રહ્યાં છે કે બીજેપી અને શિંદે સમૂહ વચ્ચે જોડતોડ શરૂ થઈ ગઈ છે અને કોને કેટલા પદ મળશે તેની પણ પ્રારંભિક ચર્ચાઓ આરંભાઈ છે.
સૂત્રોએ આપેલ માહિતી અનુસાર શિવસેનાના બળવાખોર ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરેથી અલગ થઈને ભારતીય જનતા પાર્ટી સાથે સરકાર બનાવી શકે છે.આ અંગે આંતરિક રીતે ચર્ચા ચાલી રહી છે.અત્યારે શિંદે અને ભાજપ સમૂહ બંને પક્ષો સહમત થઈ શકે અને સરકાર બની શકે તે અંગેની શરતો પર ચર્ચા કરી રહ્યાં છે પરંતુ આ ઉથલપાથલ અને આશંકિત બીજેપી સરકાર અંગે સૌથી મોટો સવાલ એ છે કે શું એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ પદ માટે ભાજપ પર દબાણ બનાવશે ?આ સિવાય એકનાથ શિંદેએ 12 વાગે બળવાખોર ધારાસભ્યો સાથે બેઠક પણ બોલાવી છે.આ બેઠક ગુવાહાટીની બળવાખોર ધારાસભ્યો રોકાયા છે તે જ હોટલ રેડિસન બ્લુ હોટલમાં યોજાશે.


