ગુજરાતની રાજયસભા ચૂંટણીમાં બપોરે 2-30 કલાકે ભાજપ અને કોંગ્રેસનાં તમામ ધારાસભ્યોએ મતદાન પુરૂ કરી લીધુ હતું અને ફકત ભારતીય ટ્રાયબલ પાર્ટીનાં બેજ મતો માટે ચૂંટણી અધિકારીએ રાહ જોઈ હતી.
બીટીપી આ ચૂંટણીમાં પ્રારંભથી જ સસ્પેન્સ બનાવી રહી હતી અને અગાઉ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અહેમદ પટેલે બીટીપીનાં વસાવા-પિતા પુત્રના બે મતો મેળવવા માટે ખુદ પ્રયાસો કર્યા હતા અને આજે સવારે ભાજપે પણ તેના મહામંત્રી ભરતસિંહ પરમારને વસાવાના બંગલે મોકલીને ભાજપને મત આપવા માટે મનાવવા પ્રયાસ કર્યા હતા ચૂંટણીમાં ભાજપ પ્રથમ અને બીજી પસંદગીનાં આધારે ચૂંટણી જીતવા નિશ્ચીત મનાય છે પણ છતાં કોઈ મતમાં અયોગ્ય ઠરે કે તેની સામે પ્રશ્ન ઉભો થાય તો બીટીપીનાં બે મતથી પક્ષ ત્રણેય તેના ઉમેદવારો પ્રથમ પસંદગીનાં મતોથી જીતે તે નિશ્ચીત કરવા પ્રયાસ કર્યો હતો જોકે પક્ષે સલામતી માટે પણ તેના 10 જેટલાં ધારાસભ્યોને બીજી પસંદગીનાં મતો આપવાની સુચના આપી હતી અને સેઈફ ગેઈમ રમી હતી.આ વચ્ચે ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ અમિત ચાવડાએ પણ બીટીપી અમારી સાથે છે તેવો દાવો કર્યો હતો અને ભાજપે હંમેશા આદિવાસીઓનો વિશ્વાસ ભંગ કર્યો છે.ભાજપમાં સરમુખત્યાર શાહી છે તે બીટીપીને લાગ્યુ છે અને તેથી અમોને મત આપશે તેવો દાવો કર્યો હતો. જોકે વસાવા બંધુઓ તેમના નિવાસે બેઠા રહ્યા હતા અને છોટુ વસાવાએ એવો દાવો કર્યો કે કોંગ્રેસ પક્ષે અમારો સંપર્ક સાધ્યો નથી.એક તબકકે ખુદ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ અંતે આદિવાસી રમીલાબેન બારાને ટીકીટ આપી છે અને તેથી વસાવા અમારી સાથે છે તેવો દાવો કર્યો ભાજપે આદિવાસીઓ માટે શું શું કર્યું છે તે કહેવા પ્રયાસ કર્યો હતો. આ બાદ કોંગ્રેસનાં રાજીવ સાતવ અને સિદ્ધાર્થ પટેલ પણ છોટુ વસાવાનાં નિવાસે પહોંચ્યા હતા અને તેમને મનાવવાનાં પ્રયાસ કર્યા હતા તથા દાવો કર્યો કે છોટુ વસાવાએ અમારી સાથે હોવાની ખાતરી આપી છે.આમ આ ચુંટણી વસાવા ફેકટર બની રહ્યું છે.


