વર્ષ 1985ની બેચના IPS અધિકારી સુબોધકુમાર જયસ્વાલને CBIના નવા ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમવારે થયેલી એક હાઈ લેવલની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવાયો હતો.આ કમિટીમાં ભારતના ચીફ જસ્ટિસ એનવી રમણા અને લોકસભામાં વિપક્ષના નેતા અંધિર રંજન ચૌધરી પણ જોડાયા હતા.
મંગળવારે પર્સનલ મિનિસ્ટ્રીએ એમની નિયુક્તિ અંગે ઓર્ડર જાહેર કર્યા હતા. CBI ડાયરેક્ટરનું પદ ફેબ્રુઆરી મહિનાથી ખાલી પડ્યું હતું.અત્યારે પ્રવિણ સિન્હા મોટી જવાબદારી અદા કરી રહ્યા છે. CBIના ચીફ માટેની આ દોડમાં ઉત્તર પ્રદેશના DGP એચ.સી. અવસ્થી, SSBના DG કુમાર રાકેશ ચંદ્રા અને ગૃહ મંત્રાલયના વિશેષ સચીવ કૌમુદી હતા. પરંતુ, અંતે સુબોધકુમાર જયસ્વાલની નિમણૂંક કરવામાં આવી છે.તેઓ બે વર્ષ સુધી આ પદ પરથી જવાબદારી નિભાવશે.સુબોધકુમાર મહારાષ્ટ્ર રાજ્યના DGP અને ATS ચીફ પદે પણ રહી ચૂક્યા છે.હાલમાં તેઓ CISFના ડાયરેક્ટર જનરલ પદે છે. 58 વર્ષના આ અધિકારી 2022માં નિવૃત થશે. જયસ્વાલની છબી એકદમ સ્વચ્છ અને પ્રમાણિક મનાય રહી છે.પોલીસ સર્વિસમાં એમના કામને લઈને વર્ષ 2009માં પ્રેસિડન્ટ પોલીસ મેડલથી સન્માનિત કરાયા છે.
જયસ્વાલને જાસુસોના માસ્ટર કહેવામાં આવે છે. RAWમાં પણ તેમણે પોતાની સેવા આપી છે.કેબિનેટ સચીવાલયમાં સચીવ પદે પણ રહી ચૂક્યા છે.મુંબઈમાં જ્યારે તેઓ પોલીસ વિભાગમાં હતા ત્યારે કરોડો રૂપિયાના ખોટા સ્ટેમ્પ પેપર કૌભાંડ કરનારી સ્પેશ્યલ ટીમના ચીફ રહ્યા હતા.વર્ષ 2006માં થયેલા માલેગાંવ વિસ્ફોટ કેસની તપાસ પણ જયસ્વાલ પાસે હતી.
આ ઉપરાંત તેઓ વડાપ્રધાન,પૂર્વ વડાપ્રધાન તથા એમના પરિવારની સુરક્ષા કરતા સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રૂપના ઈન્ટેલીજન્સ બ્યૂરોમાં પણ કામ કરી ચૂક્યા છે. 36 વર્ષના કેરિયરમાં તેઓ ચાર વડાપ્રધાન સાથે કામ કરી ચૂક્યા છે.તેઓ મૂળ ઝારખંડ જિલ્લાના એક નાનકડા ગામના વતની છે. MBA કરવાની સાથે તેમણે ત્રણ વખત NDAની પરીક્ષા આપી હતી.પણ ત્રણેય વખત નિષ્ફળ રહ્યા.ત્યાર બાદ UPSC પાસ કરી હતી.એ સમયે એમને એ ખ્યાલ ન હતો કે, આટલી મોટી પોસ્ટ પર નોકરી મળી રહેશે.વડાપ્રધાનના આવાસમાં થયેલી આ બેઠક બાદ જયસ્વાલની પસંદગી કરવામાં આવી હતી. બાળપણથી જ તેઓ ખૂબ હોશિયાર હતા અને ધનબાદની ડિનોબીલી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. એમના પિતા એક મોટા વેપારી હતા.એમના ભાઈ મનોજ હાલમાં ચેન્નઈમાં કૉલેજમાં પ્રોફેસર છે.જ્યારે બીજા ભાઈ પ્રિન્સ વિદેશમાં સ્થાયી થયા છે.એમના લગ્ન ઝારખંડના જાણીતા વેપારી શિવ પ્રસાદ સાહુના પરિવારમાં થયા છે