સીબીઆઇ કોર્ટે એજન્સીની તપાસ સામે વાંધો ઉઠાવતા યોગ્ય પુરાવા લાવવા જણાવ્યું
એજન્સી, નવી દિલ્હી:
CBI Vs CBIના લાંચ પ્રકરણમાં એજન્સીની ખાસ કોર્ટે પૂર્વ સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને ક્લિનચીટ આપી દીધી છે. આ પહેલા પણ સીબીઆઇ કોર્ટે આ પ્રકરણમાં એજન્સીની તપાસને લઇને વાંધો ઉઠાવ્યો હતો. કોર્ટ મુજબ અસ્થાના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સીબીઆઇએ પર્યાપ્ત પુરાવા જમા નથી કરાવ્યા.
સ્પેશ્યલ કોર્ટે સીબીઆઇને આ પ્રકરણમાં તપાસની યોગ્ય ચાર્જશીટ દાખલ કરવા જણાવ્યુ હતું. સીબીઆઇ દ્વારા તપાસ પર રોષ વ્યક્ત કરતા કોર્ટે કહ્યુ કે, લાંચ પ્રકરણના આ કેસમાં મોટી ભૂમિકા ભજવનારા આરોપીઓ બહાર આઝાદ ફરી રહ્યા છે જ્યારે સીબીઆઇએ એના જ ડીએસપીની ધરપકડ કેમ કરી? આ કેસની તપાસ દરમિયાન સોમેશ્વર શ્રીવાસ્તવનું નામ સામે આવ્યું હતું, પરંતુ તેમની ધરપકડ નથી કરાઇ. જ્યારે સીબીઆઇના ડીએસપી દેવેન્દ્ર કુમારની 2018માં ધરપકડ કરવામાં આવી હતી. જે પછી તેઓને જામીન મળ્યા હતા. શ્રીવાસ્તવ દુબઇમાં સ્થિત બિઝનેસમેન અને મધ્યસ્થી મનોજ પ્રસાદના ભાઇ છે અને આ લાંચ પ્રકરણમાં મુખ્ય આરોપીઓમાંથી એક છે.
મીટ બિઝનેસમેન સતીશ સના પાસેથી બે કરોડ રુપિયાની લાંચ લેવાના આરોપમાં 15 ઓક્ટોબર 2018ના રોજ સીબીઆઇએ સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના અને ડીએસપી દેવેન્દ્ર કુમાર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. જોકે હાઇકોર્ટે FIR દર કરવાની અસ્થાના અને દેવેન્દ્ર કુમારની માંગ ફગાવી દીધી હતી અને સીબીઆઇને તપાસ કરવાના આદેશ આપ્યા હતા.
રાકેશ અસ્થાના અને દેવેન્દ્ર કુમાર પર આરોપ હતા કે તેમણે હૈદરાબાદના વેપારી સતીશ સનાને રાહત આપવા માટે એની પાસેથી બે કરોડ રુપિયાની લાંચ લીધી હતી.