– વેપારીઓને પરેશાન કરવાની એક પણ તક SGST જતી કરતી નહીં હોવાની ચર્ચા
જીએસટી રિટર્ન ભરવામાં ભૂલ હોય અથવા તો વધુ ક્રેડિટ લીધી હોય તેવા કિસ્સામાં રિટર્ન સ્ક્રૂટિની કરવાની હોય છે,પરંતુ એસજીએસટીએ ઓડિટ રિટર્ન પ્રમાણે વેપારીઓ પાસે વિગત મંગાવતા વિવાદ ઊભો થયો છે.
ખરીદ વેચાણની વિગતો મંગાવવામાં આવતી હોય
જીએસટીમાં ઓડિટ રિટર્નની સ્ક્રૂટિની કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.આ કામગીરી સેન્ટ્રલ અને સ્ટેટ જીએસટી બંનેમાં કરવામાં આવતી હોવા છતાં સેન્ટ્રલ જીએસટીમાં સીબીઆઇસીએ બહાર પાડેલા નિયમો પ્રમાણે જ ઓડિટ રિટર્ન અને નિયમિત ભરવામાં આવતા રિટર્નમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે,કારણ કે રિટર્ન ભરવામાં ભૂલ હોય,જીએસટીની રકમ ઓછી ભરી હોય,ક્રેડિટ વધારે લીધી હોય તેવા કિસ્સામાં રિટર્નની સ્ક્રૂટિની કરવામાં આવે તો જે પણ રિટર્નમાં ભૂલ હોય તો તેના ખરીદ વેચાણની વિગતો એકાદ બે મહિનાના મંગાવવામાં આવતી હોય છે.જેથી રિટર્નમાં રહેલી ખામી શોધીને અધિકારી દ્વારા તેને ભરપાઇ કરવાના આદેશ કરવામાં આવતા હોય છે.
કાર્યવાહીને લઈ વેપારીઓમાં રોષ ફેલાયો
જયારે ઓડિટ રિટર્નમાં ખામી હોય તો વેપારના સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવેલા ખરીદ વેચાણની વિગતો મંગાવવામાં આવતી હોય છે.આ ઉપરાંત ચોપડા પણ રજૂ કરવા માટે જણાવવામાં આવતું હોય છે,પરંતુ સ્ટેટ જીએસટીના અધિકારી જીએસટી રિટર્નની સ્ક્રૂટિનીમાં ઓડિટ પ્રમાણે વિગતો મંગાતા વિવાદ ઊભો થયો છે.તેમજ સીબીઆઇસીએ બહાર પાડેલા નિયમોની ઉપરવટ જઇને આ રીતે વેપારીઓને પરેશાન કરવાનું શરૂ કરતા વેપારીઓમાં પણ રોષ ફેલાયો છે.
ઉચ્ચ અધિકારી ભેરવાય નહીં તે માટે મૌખિક સૂચના અપાઈ
જીએસટીના ઉચ્ચ અધિકારીઓ પર રિટર્ન સ્ક્રૂટિની ખોટી રીતે કરવામાં આવે છે તે અંગે કાર્યવાહી કરવામાં નહીં આવે તે માટે વચલો રસ્તો શોધી કાઢયો છે.આ મુદ્દે સ્થાનિક અધિકારીઓને લેખિતના બદલે મૌખિક આદેશ કરવામાં આવ્યો છે.જેથી ઉચ્ચ અધિકારીઓના આદેશ પ્રમાણે નીચેના સ્તરના અધિકારીને નાછૂટકે પણ કામગીરી કરવી પડી રહી છે.તેના કારણે કેટલાક કિસ્સામાં તો સીએ,ટેક્સ કન્સલ્ટન્ટ અને વેપારીઓ સાથે ઘર્ષણ થવાની પણ શક્યતા નકારી શકાતી નથી,કારણ કે નિયમ પ્રમાણે કાગળ માંગવાના બદલે તેની ઉપરવટ જઇને વેપારીઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે.


