– સત્તા પર પાછા આવવા વિકાસના મુદ્દા જ કામ લાગશે,ચૂંટણી પાછી ઠેલવા હાઈકમાન્ડનો ઈનકાર
નવી દિલ્હી, તા. ૯ : કર્ણાટકમાં છેલ્લા કેટલાક સમયથી હલાલ મીટ અને હિજાબ જેવા મુદ્દાઓએ ભારે હોબાળો મચાવ્યો છે.આ વિવાદો ભાજપની હિન્દુત્વની છબીને વધુ મજબૂત કરી રહી છે.પરંતુ રાજ્યમાં ફરી સત્તા મેળવવા માત્ર આ વિવાદોથી જ કામ નહીં ચાલે, સુશાસન પણ લાવવું પડશે તેમ કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈને ભાજપના હાઈકમાન્ડે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે.
ભાજપ હાઈકમાન્ડે બોમ્મઈ સરકારને બજેટના પ્રસ્તાવો અને મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પરિયોજનાઓના ણલ પર પણ ધ્યાન આપવા નિર્દેશ આપ્યા છે.રાજ્ય ભાજપ એકમ સંપૂર્ણપણે પરિવર્તન માટે તૈયાર છે.રાજ્યમાં એક જ વર્ષ પછી ચૂંટણી યોજાવાની છે ત્યારે મુખ્યમંત્રી બોમ્મઈને વિકાસની નીતિઓ પર ધ્યાન કેન્દ્રીત કરવા સૂચના અપાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ તાજેતરમાં જ દિલ્હીના પ્રવાસે ગયા હતા.તેમને એમ પણ જણાવાયું કે લાંબા સમયથી કેબિનેટમાં ફેરફારની રાહ જોવાઈ રહી છે, તે ઝડપથી થવું જોઈએ, કારણ કે કેન્દ્રીય નેતૃત્વને સોંપાયેલી યાદીને મંજૂરી આપી દેવાઈ છે.
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રાજ્ય પ્રભારી અરુણ સિંહ ૧૨થી ૨૪ એપ્રિલ અને પક્ષપ્રમુખ જેપી નડ્ડાના આગામી કર્ણાટક પ્રવાસ દરમિયાન પરિવર્તનોને અંતિમ રૂપ અપાવાની આશા છે.નડ્ડાના પ્રવાસ દરમિયાન વિજયનગરમાં રાજય કારોબારીની બેઠક પણ યોજાશે. પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ બંને સહિત કેન્દ્રીય નેતૃત્વે મે ૨૦૨૩માં રાજ્યમાં થનારી ચૂંટણીને આગળ વધારવાનો ઈનકાર કરી દીધો છે.તેમણે મુખ્યમંત્રીને પક્ષને પુનર્ગઠિત કરવા, સરકારમાં ફેરબદલ પછી સુશાસન પર ધ્યાન આપવા નિર્દેશ આપ્યા છે.વધુમાં બોમ્મઈને ખેડૂતોનું સમર્થન ફરીથી જીતવા માટે સિંચાઈ યોજનાઓ પર ધ્યાન આપવા કહેવાયું છે. હાલ રાજ્યમાં ખેડૂતો સરકારથી નારાજ છે.
પક્ષના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ મંત્રને અનુરૂપ ભાજપ વિકાસના સારા રિપોર્ટ કાર્ડ સાથે જનાદેશ મેળવે તે વધુ યોગ્ય છે.હિજાબ અને હલાલ મીટની સાથે લઘુમતીઓને નિશાન બનાવતા અન્ય વિવાદોથી કેટલાક વિસ્તારમાં પક્ષને કટ્ટર હિન્દુ મતોનો લાભ મળી શકે છે.પરંતુ સત્તા પર પાછા ફરવા માટે ભાજપને નક્કર દેખાવના રેકોર્ડની જરૂર પડશે.