ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા મંત્રીઓની કાર્યશૈલીને અનુલક્ષીને કેટલાક નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.ગત કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, મંત્રીને મળવા આવનાર મુલાકાતીએ મોબાઈલ બહાર જમા કારવવો પડશે.જો કે, આજથી તેની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે.જો કે, મુલાકાતી બાદ હવે મંત્રીઓ અને અધિકારીઓ પર પણ મોબાઈલને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે.
અધિકારીઓ માટે કેબિનેટ બેઠકમાં મોબાઈલ પર પ્રતિબંધ
રાજ્ય સરકારની અઠવાડિયામાં એક વાર કેબિનેટ બેઠક યોજાઇ છે.જેમાં નીતિવિષયક અને સાંપ્રત મુદ્દા પર ચર્ચા કરવામાં આવે છે.કેબિનેટ બેઠકમાં પ્રથમ મંત્રીઓ વચ્ચે ચર્ચા થાય છે.મંત્રીઓની ચર્ચા પૂર્ણ થયા બાદ અધિકારીઓ કેબિનેટ બેઠકમાં ભાગ લે છે.જો કે, અત્યાર સુધીમાં કેબિનેટ બેઠકમાં અધિકારીઓ મોબાઈલ લઈને પ્રવેશ કરી શકતા હતા.આ ઉપરાંત કેબિનેટમાં અધિકારીઓ મોબાઈલનો ઉપયોગ પણ કરી શકતા હતા.હવે મુખ્યમંત્રી દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, કેબિનેટ બેઠકમાં ભાગ લેવા આવનારા તમામ અધિકારીઓએ પોતાનો મોબાઈલ બહાર જમા કરવો પડશે.કેબિનેટ બેઠકમાં થતી ચર્ચાની ગુપ્તતા જળવાય તે માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે.કેબિનેટ બેઠકમાં સચિવ અને સેક્રેટરી કક્ષાના અધિકારીઓ ભાગ લેવા આવતા હોય છે.તમામ અધિકારીઓએ ચુસ્તપણે આ નિયમનું પાલન કરવાની મુખ્ય સચિવ દ્વારા સૂચના આપવામાં આવી છે
કેબિનેટ બેઠકમાં મંત્રીઓ પણ મોબાઈલ ઉપયોગ નહીં કરી શકે
કેબિનેટ બેઠકમાં અધિકારીઓની જેમાં હવે મંત્રીઓ પણ મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા તમામ મંત્રીઓને સૂચના આપવામાં આવી છે.આગામી મળનારી કેબિનેટ બેઠકથી આ નિયમનું અમલવારી કરવામાં આવશે.કેબીનેટ બેઠકમાં થતી ચર્ચામાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે.આ ઉપરાંત મંત્રીઓ ચાલી કેબિનેટ બેઠકમાં મોબાઈલ ઉપયોગ ન કરે તે માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે.
મોબાઈલના ઉપયોગને લઈને ત્રણ નિયમ બનાવવામાં આવ્યા
ભુપેન્દ્ર પટેલની નવી કેબિનેટ બનતાની સાથે જ મોબાઇલને લઈને કુલ ત્રણ નિયમો તૈયાર કરવામાં આવ્યા છે.જેમાં પ્રથમ સોમવાર અને મંગળવાર મંત્રીઓને મળવા આવનાર મુલાકાતી મોબાઈલ લઈને મંત્રીઓને મળી નહિ શકે,બીજો નિયમ અધિકારી માટે બનાવવામાં આવ્યો છે કે, કેબિનેટમાં ભાગ લેનાર અધિકારી મોબાઈલનો ઉપયોગ નહિ કરી શકે,ત્રીજો નિયમ મંત્રીઓ માટે બનાવવામાં આવ્યો છે કે, મોબાઈલ લઈને મંત્રીઓ પણ કેબિનેટમાં પ્રવેશ નહિ કરી શકે.


