ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુક્રવારે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા અમદાવાદ મહાનગરના રૂ. ૯૨ કરોડના વિવિધ ૨૧ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન તથા રૂ. ૯૮૬ કરોડના વિવિધ ૫૧ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરતાં જણાવ્યું હતું કે, કોરોના કાળમાં રાજ્યમાં રૂ. ૧૭ હજાર કરોડના વિકાસનાકાર્યોના લોકાર્પણો તથા ખાતમુહૂર્તો થયા છે, જે પૈકી એકલા અમદાવાદ મહાનગરમાં જ રૂ. ૨,૮૫૭ કરોડના લોકાર્પણો-ખાતમુહૂર્તો થયા છે.
મહાનગરો-નગરોના વિકાસ કામો માટે સરકાર ક્યારેય નાણાંની કમી ઊભી થવા દેતી નથી,તમે કામ લાવો,પૈસાની ચિંતા સરકાર કરશે,એમ ઉલ્લેખી મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ૨૫ વર્ષોમાં આધુનિક-કાયાપલટ થઈ છે,વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે મહાનગર પ્રસ્થાપિત થયું છે,સાથે રસ્તા-ગટર-લાઇટ- પાણી જેવી પાયાની માળખાગત સુવિધાઓ સાથે રિવરફ્રન્ટ,સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ,રિયૂઝ ઓફ ટ્રીટેડ વોટર,ઘનકચરા વર્ગીકરણ નિકાલ,પર્યાવરણ જાળવણી,ટ્રાફિક-મેનેજમેન્ટ ક્ષેત્રે સુનિયોજિત વ્યવસ્થાપન થયું છે. કોંગ્રેસની સરકારોમાં કામો વિલંબમાં પડતા,ખાતમુહૂર્ત થાય પછી વર્ષો સુધી ઠેરની ઠેર સ્થિતિ રહેતી.પથરા એમને એમ પડયા રહેતા,વિલંબને કારણે ખર્ચમાં ચાર-પાંચ ગણો વધારો થતો,જ્યારે ભાજપના શાસનમાં સમય કરતાં વહેલાં ગુણવત્તાયુક્ત કામો કરવાની સંસ્કૃતિ વિકસાવાઈ છે,એમ મુખ્યમંત્રીએ રાજકીય ઉલ્લેખો કર્યા હતા.મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના બે લાભાર્થીઓ સાથે ફોન ઉપર સંવાદ પણ કર્યો હતો.આ કાર્યક્રમમાં મહેસૂલમંત્રી કૌશિક પટેલ, અમદાવાદના મેયર બિજલ પટેલ,મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમૂલ ભટ્ટ વગેરે પણ હાજર રહ્યા હતા.