1 માર્ચ રવિવારના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી જ્યારે અમૃતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી બાળકીને મળવા માટે તેમના પત્નીની સાથે ગયા હતા, ત્યારે લિફ્ટમાં તેમને કડવો અનુભવ થયો હતો.
રિપોર્ટ અનુસાર, મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટની અમૃતા હોસ્પિટલમાં ત્રીજા માળ પર આવેલા NICUમાંથી બહાર નીકળીને તેમના પત્ની અંજલી રૂપાણી અને પોલીસ કમિશનરની સાથે લિફ્ટમાં નીચે આવી રહ્યા હતા તે સમયે લિફ્ટમાં કોઈ ટેકનીકલ ખામી આવવાના કારણે લિફ્ટ પહેલા માળે ફસાઈ ગઈ હતી. લિફ્ટ પહેલા માળે ફસાઈ ગઈ હોવાની જાણ મુખ્યમંત્રીના સિક્યોરિટી ગાર્ડને થતા તેઓ તાત્કાલિક પહેલા માળ પર પહોંચ્યા હતા અને લિફ્ટનો દરવાજો ખોલીને મુખ્યમંત્રી વિજય રૂપાણી, તેમના પત્ની અને પોલીસ કમિશનરને ખેંચીને લિફ્ટની બહાર કાઢ્યા હતા. ત્યારબાદ તેઓ દાદરેથી હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા હતા.
હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા પછી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર, કલેક્ટર, પોલીસ કમિશનર, સમાજ સુરક્ષા વિભગે ઝડપથી બાળકીને દત્તક લઇને રાજકોટની અમૃતા હોસ્પિટલમાં તેને દાખલ કરી છે. મારા રાજકોટના પ્રવાસમાં મને પણ બાળકીના ખબર અંતર પૂછવાની ઈચ્છા હતી એટલે હું હોસ્પિટલમાં આવ્યું છું. ડૉકટરો ખૂબ સારી રીતે બાળકીની ચિંતા કરી રહ્યા છે અને મને પૂર્ણ શ્રદ્ધા છે કે, આપણે બાળકીને બચાવી શકીશું. મેં ડૉક્ટરોને અનુરોધ કર્યો છે કે, બાળકીને બચાવવા માટે જેટલો પણ ખર્ચ થશે તે સરકાર ભોગવશે અને બાળકીને મોટી કરવી પડશે. કોઈ પણ બાળક જન્મ લે એટલે તેને જીવવાનો પૂરો અધિકાર છે. ભગવાને તેને જન્મ આપ્યો છે એટલે તે ભગવાનનું પુષ્પ છે. એટલે આપણે સૌએ તેની ચિંતા કરવી પડે.