દિલ્હીનો એક આઘાતજનક કિસ્સો આજે ચર્ચામાં છે. લૉકડાઉન દરમિયાન પિઝા ડિલીવર કરનારો 19 વર્ષનો છોકરો કોરોનાથી સંક્રમિત નિકળ્યો અને 72 કુટુંબોને ક્વોરેન્ટિન કરી દેવાયા છે.સાઉથ દિલ્હીમાં ડિલીવરી કરનારા આ છોકરાએ 12 એપ્રિલ સુધી ડિલીવરીનું કામ કર્યું હતું અને આમ તેણે છેલ્લા પંદર દિવસમાં જેટલા ગ્રાહકોને ત્યાં પિઝા ડિલીવરી કરી હતી તે તમામને ક્વોરેન્ટિન કરાયા છે.આ છોકરાએ હૉઝખાસ,માલવિયા નગર અને સાવિત્રી નગર જેવા એરિયાઝમાં પિઝા પહોંચાડ્યો હતો.હાલમાં આ છોકરો RML હૉસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે.
જે કુટુંબોએ આ છોકરાને હાથે ડિલીવરી લીધી હતી તે બધા અત્યારે ક્વોરેન્ટાઇન કરાયા છે અને તેમની સ્થિતિ પર ધ્યાન અપાઇ રહ્યું છે.કોઇને લક્ષણ દેખાશે તો જરૂરી પગલાં અને સારવાર પુરાં પડાશે.આ ડિલીવરી બૉય સાથે બીજા વીસ ડિલીવરી બૉય્ઝ સંપર્કમાં આવ્યા હતા એમને તેમને પણ છત્તરપુરની ફેસિલીટીમાં ક્વોરેન્ટાઇન કરાયા છે.જેનો રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે તેની કોઇ ટ્રાવેલ હિસ્ટરી નથી એટલે એવું માનવામાં આવી રહ્યુ છે કે તેને ડિલીવરી દરમિયાન કોઇનાં સંપર્કને કારણે વાઇરસનો ચેપ લાગ્યો છે.
ફૂડ ડિલીવરી જાયન્ટ ઝોમેટોએ કહ્યુ હતું કે તેમને આજે જ જાણ થઇ હતી કે એક રેસ્ટોરન્ટનો કર્મચારી કોરોનાવાઇરસથી સંક્રમિત હતો.કેટલીક ડિલીવરીઝ ઝોમેટો પર ઓર્ડર કરાઇ હતી અને તેમને ખાતરી નથી કે આ છોકરાને ડિલીવરી સમયે ચેપ લાગ્યો છે કે કેમ તેમ ઝોમેટોનાં સ્ટેટમેન્ટમાં કહેવાયું હતું.
બધા ગ્રાહકોને સરકારે સંપર્ક કર્યો છે અને જે રેસ્ટોરન્ટમાં આ રાઇડર કામ કરતો હતો તે પણ બંધ કરી દેવાયું છે.ઝોમેટોના વિધાનમાં એમ પણ કહ્યું છે કે જો તેમના રાઇડરને ખબર હોત કે પોતાને વાઇરસનો ચેપ છે તો તેણે કોઇપણ સંજોગોમાં કામ ન કર્યું હોત.