નવી દિલ્હી, 6 એપ્રિલ 2020 સોમવાર
કોરોનાના ઝપેટમાં દુનિયાનાં સૌથી શક્તિશાળી અને દિગ્ગજો પણ આવી ચુક્યા છે, આ રોગચાળાએ કોઇને બિમાર કર્યા તો ઘણા બધાં ઘનવાનોને આર્થિક રીતે નુકસાન પણ પહોચાડ્યુ છે.
કોરોનાની ઝપેટમાં ભારતનાં સૌથી મોટા અને અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પણ આવી ગયા છે. તેમની નેટવર્થમાં છેલ્લા બે મહિનામાં 28 ટકા જેટલો ઘટાડો થયો છે.
હુરૂન રિચ લિસ્ટ ( Hurun Global Rich List) મુજબ અંબાણીની નેટવર્થ 300 મિલિયન ડોલર (30 કરોડ)નો જોરદાર ઘટાડો થયો છે. દરેક દિવસે તે ઘટીને 31 માર્ચે 48 અબજ ડોલર જેટલી રહી ગઇ છે.
તેમની સંપત્તી લગભગ 1 લાખ 44 હજાર કરોડ જેટલી ઘટી છે અને હવે તે 3 લાખ 65 હજાર કરોડ રહી ગઇ છે, અંબાણી સિવાય ગૌતમ અદાણી, શિવ નાદર અને ઉદય કોટકની સંપત્તીમાં પણ જબરજસ્ત ઘટાડો નોંધાયો છે.
મુકેશ અંબાણી 8 ક્રમ ઘટીને 17માં સ્થાને
મુકેશ અંબાણીની સંપત્તીમાં પણ મોટો ઘટાડો થવાનું કારણ શેર બજારમાં જોરદાર કડાકો છે, હુરૂન ગ્લોબલ રિચ લિસ્ટનાં જણાવ્યા મુંજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)નાં ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટરની સંપતીમાં ફેબ્રુઆરી- માર્ચનાં સમયગાળામાં 19 અબજ ડોલરનો ઘટાડો થયો છે, આ જ કારણે તે દુનિયાભરના અમિર હસ્તીઓની યાદીમાં 8 ક્રમ ઘટીને 17માં સ્થાને પહોંચી ગયા છે.
અદાણી,નાદર અને કોટક વિશ્વનાં 100 અમિરોની યાદીમાંથી બહાર
આ રિપોર્ટ મુંજબ અદાણીની નેટવર્થમાં આ દરમિયાન 6 અબજ ડોલર (37 ટકા), HCL Technologiesનાં સ્થાપક શિવ નાદરની સંપત્તીમાં 5 અબજ ડોલર (26 ટકા) બેંકર ઉદય કોટકની નેટવર્થમાં 4 અબજ ડોલર (28 ટકા)નો ઘટાડો થયો છે. દુનિયાનાં 100 અમિર ઉદ્યોગપતિઓની યાદીમાંથી પણ આ 3 હસ્તી બહાર થઇ છે. આ યાદીમાં હવે માત્ર અંબાણીનું નામ રહ્યું છે.