નવી દિલ્હી, 19 માર્ચ 2020 ગુરૂવાર
દેશમાં કોરોના વાયરસનાં કેસ વધી રહ્યા છે, સરકાર તેને ઘટાડવા માટે તમામ પ્રયાસો કરી રહી છે,કેન્દ્ર સરકારનાં હુકમ બાદ ઘણી પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી છે, અને જાહેર સ્થળો બંધ કરવામાં આવ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે રાત્રે આઠ વાગ્યે દેશમાં આ વાયરસના ફાટી નીકળવાના કારણે ઉદ્ભવી રહેલી પરિસ્થિતિ અને તેનો સામનો કરવાના પ્રયાસો અંગે સંબોધન કરશે.
આ સંબોધન ઉપરાંત વડા પ્રધાન મોદી શુક્રવારે તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનો અને આરોગ્ય પ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી શકે છે.
આ વાતચીતમાં વડા પ્રધાન રાજ્યો દ્વારા કોરોના વાયરસ અંગે લેવામાં આવતા સાવચેતીનાં પગલાઓની સમીક્ષા કરી શકે છે, તેમજ રાજ્યોની સુવિધાઓ અને તૈયારીઓ અંગે ચર્ચા કરી શકે છે.
મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે આ માહિતી આપી છે. ટોપે ગુરુવારે બપોરે જણાવ્યું હતું કે, “કોરોના વાયરસના મુદ્દે તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનો અને આરોગ્ય પ્રધાનો આવતીકાલે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરશે.”
અત્રે ઉલ્લેખનિય છે કે વડાપ્રધાને વ્યક્તિઓ, સ્થાનિક સમુદાયો અને સંગઠનો સાથે કોરોનાનો સામનો કરવા માટે એક વ્યવસ્થા બનાવવા માટે સક્રિય રીતે ચર્ચા કરવા પર ભાર મૂક્યો છે.તેમણે અધિકારીઓ અને તકનીકી નિષ્ણાતોને કહ્યું કે આગામી લેવામાં આવનારા પગલા અંગે ચર્ચા-વિચારણા કરે.
વડાપ્રધાને નિયમિતરૂપે સોશિયલ મિડિયાનાં માધ્યમથી લોકોને ખુંદને તૈયાર કરવાની તથા ગભરાવાનું નહીં તેવી અપિલ કરી, તેમણે આ વાયરસને ફેલાતો રોકવા માટે બિનજરૂરી યાત્રાઓ ટાળવા અને લોકોને એક જગ્યાએ એકત્રિત ન થવાનું કહ્યું છે.ગુરુવારે દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 177 થયા છે.