સુરત : સુરતના ઉદ્યોગપતિ,સમાજ સેવક અને તાજેતરમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા મહેશ સવાણીએ ભાજપ સામે પ્રહારો કર્યા હતા અને સી.આર. પાટીલ અંગે પણ વાત કરી હતી.એક ગુજરાતી અખબાર સાથે થયેલી વાતચીતમાં મહેશ સવાણીએ કહ્યું હતું કે જયારે કોરોનાની બીજી લહેર ચાલતી હતી ત્યારે અમે સેવા ફાઉન્ડેશનના માધ્યમથી સૌરાષ્ટ્ર માટે વતનની વહારે એવો એક કાર્યક્રમ આયોજિત કર્યો હતો.આ કાર્યક્રમને લીલીઝંડી આપવા માટે અમે સી.આર. પાટીલને બોલાવ્યા હતા,પણ પાટીલે તો સીધો આક્ષેપ કર્યો કે તમે સૌરાષ્ટ્રવાળા બધા આમ આદમી પાર્ટીને સપોર્ટ કરો છો અને ચૂંટણી જીતવા ફંડ પણ આપો છો એટલે આ કાર્યક્રમમાં હું નહીં આવું.
આ વાત સાંભળીને મને ઘણું દુખ થયું હતુ, કારણ કે અમે સમાજ સેવા સાથે કામ કરતા હોઇએ એટલા બધી પાર્ટી સાથે સંબધ રાખવો પડતો હોય છે.સવાણીએ વધુમાં કહ્યું હતું કે અમે આમ આદમી પાર્ટીને કોઇ ફંડ આપ્યું નહોતુ.તેમણે કોઇ પણ પુરાવા વગર આવા આક્ષેપો કર્યા એ વાત મને પસંદ પડી નહોતી. સી. આર. પાટીલે કયારેય પણ મને પોતાનો માન્યો જ નથી એમ સવાણીએ કહ્યું હતું.
મહેશ સવાણીએ કહ્યું હતું કે આપમાં જોડાયા પછી તાજેતરમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની મુલાકાત કરી તો લોકોમાં ભાજપની કામગીરી સામે જબરદસ્ત રોષ જોવા મળ્યો હતો.કોરોના કાળમાં રાજય સરકારની નીતિ સામે લોકોએ ભારે હાલાકી ભોગવવી પડી છે.
મહેશ સવાણીએ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી સામે પણ પ્રહાર કરતા કહ્યું હતું કે માત્ર 4 ધોરણ ભણેલા ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીને આરોગ્ય રાજય મંત્રી બનાવી દેવાયા,જેઓ કોરોના જેવી ગંભીર પરિસ્થિતિમાં કોઇને મદદરૂપ થઇ શકયા નથી.સ્થાનિક આરોગ્યમંત્રી હોવા છતા સુરતના લોકોએ ભારે મુશ્કેલી વેઠવી પડી. જે આરોગ્ય મંત્રી એવું કહેતા હોય કે હું પોતે ઇંજેકશન શોધી રહ્યો છુ તો તેમની પાસે પ્રજા બીજી શું અપેક્ષા રાખી શકે.સુરત તો ઠીક કાનાણી પોતાનો વિસ્તાર વરાછા પણ સાચવી શકયા નહોતા.ઇંજેકશન,ઓકસીજન અને હોસ્પિટલમાં બેડ માટે લોકો રીતસરના વલખાં મારતા હતા.લોકોના આવા દુખ જોઇને અમે ઘણી જગ્યાએ કોવિડ કેર સેન્ટર શરૂ કર્યા હતા.મહેશ સવામીએ કહ્યુ કે આરોગ્ય મંત્રી તો જયનારાયણ વ્યાસ જેવા હોવા જોઇએ.
સવાણીએ ભાજપ સામે પ્રહાર કરતા કહ્યું કે ભાજપના નેતાઓ ગ્રાઉન્ડે લેવલે ઓછા જોવા મળે,પરંતું સોશિયલ મીડિયા પર સેવા કરતા વધારે જોવા મળે.તેમણે હર્ષ સંઘવી માટે કહ્યું હતું કે આ ધારાસભ્ય કાંચીડા જેવો છે,કયારે રંગ બદલી નાંખે ખબર જ ના પડે.સવાણીએ આક્ષેપ કર્યો હતો કે હર્ષ સંઘવીનો કયારેય વિશ્વાસ ન થાય.તેમણે કહ્યું કે સૌરાષ્ટ્રમાં સંક્રમણને કારણે સરકારે જે મોતના આંકડા આપ્યા છે તેનાથી દુખ થાય છે.અમે જન સંવેદના કાર્યક્રમ અંતગર્ત કોરોનાને કારણે મોતને ભેટેલા લોકાની યાદી તૈયાર કરવાનું કામ કરી રહ્યા છે.અમે વિધાનસભામાં સ્મારક બનાવીશું અને એ સ્મારકમાં અમારા પર સૌરાષ્ટ્રમાં જે પત્થરોથી હુમલો કરવામાં આવ્યો હતો તે પત્થરનો પણ સ્મારકમાં ઉપયોગ કરીશું.
મહેશ સવાણીએ કહ્યું હતું કે આગામી દિવસોમાં અમે મહિયરની ચૂંદડી નામથી સમુહલગ્ન કાર્યક્રમનું આયોજન કરવાના છે.આ આયોજન રાજકીય નથી એટલે મુખ્યમંત્રી વિજય રૂપાણી,અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ સહીતના નેતાઓને આમંત્રણ પાઠવીશું, જેને અનુકળતા હશે તે આવશે કારણ કે આ તો સમાજસેવાનું કામ છે.


