ગુજરાતના પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે ભાજપની કમાન સંભાળ્યા બાદ સંગઠનમાં ઘણા ફેરફારો થઈ રહ્યા છે. 2022ની ચૂંટણીમાં 182 વિધાનસભાની બેઠકો જીતવા માટે સી. આર. પાટીલે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે.આ ઉપરાંત ભાજપના નેતાઓને પેજ કમિટી બનાવવા માટેના આદેશ આપવામાં આવ્યા છે.પાટીલના આદેશ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓ પણ પેજ પ્રમુખની જવાબદારી સ્વીકારી રહ્યા છે. સી. આર. પાટીલે એક સભામાં ભાજપના નેતાઓને ચેતવણી આપી હતી કે,જે પેજ કમિટી નહીં બનાવે તેમને ટિકિટ મળવામાં મુશ્કેલી થશે.ત્યારે હવે સી. આર. પાટીલ સોશિયલ મીડિયા પર કરેલી એક પોસ્ટરને લઈને ચર્ચામાં આવ્યા છે.ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે એક પોસ્ટ અપલોડ કરી હતી અને તેમાં ખેડૂતોની આવક 18 વર્ષમાં 16 ગણી વધુ થઈ હોવાનો તેમણે દાવો કર્યો હતો પરંતુ સી. આર. પાટીલને ખોટી પોસ્ટ અપલોડ કરી હોવાનું ભાન થતાં તેમને ગણતરીના સમયમાં જ આ પોસ્ટને ડિલીટ કરી દીધી હતી.
સી.આર. પાટીલે સોશિયલ મીડિયામાં ખેડૂતોના નામે એક પત્ર લખ્યો હતો.તેમાં દાવો કર્યો હતો કે, 2002માં ગુજરાતમાં ખેડૂતોની વાર્ષિક આવક અંદાજે 9 હજાર કરોડ હતી અને આજે તે વધીને દોઢ લાખ કરોડ કરતાં વધુ થઈ ગઈ છે.એટલે સી. આર. પાટીલના કહેવા અનુસાર છેલ્લા 18 વર્ષમાં ગુજરાતના ખેડૂતોની આવક 16 ગણી વધી છે.
ભાજપ પ્રદેશ પ્રમુખે સોશિયલ મીડિયામાં અપલોડ કરેલા પત્રમાં કરેલા દાવાના આંકડા અને કેન્દ્ર સરકારના આંકડાઓ કંઈક અલગ જ બતાવી રહ્યા છે.કારણ કે પાટીલના જણાવ્યા અનુસાર ગુજરાતના ખેડૂતો દર મહિને 24 હજાર રૂપિયાની કમાણી કરે છે પરંતુ કેન્દ્ર સરકારની કૃષિ પોકેટ બુકના આંકડા મુજબ ગુજરાતના ખેડૂતોની માસિક આવક માત્ર 3,500 રૂપિયા છે. સરકારના આંકડા ખેડૂતોની માસિક આવક 3,500 હોવાનું કહે છે અને ભાજપ પ્રદેશના આંકડા ખેડૂતોની માસિક આવક 24,000 હોવાનું કહે છે.બીજી મહત્ત્વની વાત છે કે, સી. આર. પાટીલે આ આંકડાઓ ક્યાંથી મેળવ્યા છે તે બાબતે તેમને કોઇ ઉલ્લેખ કર્યો ન હતો. મહત્ત્વની વાત કહી શકાય કે, 2002માં ખેડૂતોની વાર્ષિક આવક 9 હજાર કરોડ હતી અને ત્યારબાદ સરકારી આંકડા અનુસાર 11 ટકાનો દરેક વિકાસ થયો છે તો પણ ખેડૂતોની આવક દોઢ લાખ કરોડ રૂપિયા ન થાય.


