– અરવિંદ કેજરીવાલે ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષને વળતો જવાબ આપ્યો
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલે ગઈ કાલે ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે સી.આર. પાટીલ ગુજરાતના બીજેપીના અધ્યક્ષ છે,પણ એવું કહેવાય છે કે મને નથી ખબર લોકો કહે છે કે મુખ્ય પ્રધાન કોઈ પણ બને,સરકાર તો સી.આર. પાટીલ જ ચલાવે છે.
આ ચૂંટણીને લઈને ગઈ કાલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે રાજકોટમાં જાહેરસભા યોજી હતી.આ સભાને સંબોધતા લોકોને અરવિંદ કેજરીવાલે પ્રશ્ન કર્યો હતો કે ગુજરાતમાં ૨૭ વર્ષથી બીજેપીની સરકાર છે,તમારામાંથી કોઈને બીજેપીવાળાઓએ અયોધ્યા દર્શન કરાવ્યા છે.ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો એક-એક બુઝુર્ગ અને એક-એક માતાને તીર્થયાત્રા કરાવીશું અને અયોધ્યાજીનાં દર્શન કરાવીશું.અમારી સરકાર હરિદ્વાર,ઋષિકેશ, અયોધ્યા,શિરડીબાબા,મથુરા,વૃંદાવન સહિત ૧૨ સ્થાનોમાં અમે તીર્થયાત્રાએ બુઝુર્ગોને લઈ જઈએ છીએ.
તાજેતરમાં સી.આર.પાટીલે કેજરીવાલને ઠગ કહ્યા હતા તેને લઈ અરવિંદ કેજરીવાલે સભાને સંબોધતા કહ્યું હતું કે સી.આર. પાટીલ કહે છે કે કેજરીવાલ ઠગ છે.હું તમને પૂછવા માગું છું કે હું ઠગ છું.કોઈ ઠગ સરકારી સ્કૂલ ઠીક કરે છે,બાળકોની શિક્ષાની વાત કરે છે,હૉસ્પિટલોની વાત કરે છે,જેમને લાગે છે કે સી.આર. પાટીલ ઠગ છે તે હાથ ઊંચા કરે.આમ કહેતા જ સભામાં બેઠેલા લોકો અને સ્ટેજ પર બેઠેલા લોકોએ પોતાના હાથ ઊંચા કર્યા હતા.