ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ઓકિસજન અને ઇન્જેકશનોના મામલે કલેકટર કચેરી સામે આમરણાંત ઉપવાસ આંદોલનની આપેલી ચેતવણી અંગે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અઘ્યક્ષ અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે પૂર્વ ધારાસભ્ય જાડેજાએ મુખ્યમંત્રીને ફોન કરીને સરકારમાંથી ઓકિસજન અને ઇન્જેકશનો મંગાવવા જોઇએ.બાકી ઉપવાસ આંદોલનના મંડાણ કરવા યોગ્ય નથી.જાડેજાએ સરકારમાંથી ઇન્જેકશનો અને ઓકિસજનની મંગાવી શકતા ન હોય તો તેઓએ ભાજપમાંથી રાજીનામુ આપી દેવુ જોઇએ તેમ મોઢવાડીયાએ જણાવેલ હતું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અઘ્યક્ષ અર્જુનભાઇ મોઢવાડીયાએ ભાજપના પ્રદેશ અઘ્યક્ષ પાટીલ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે પાટીલ ધણખુંટની જેમ શીંગડા ભરાવી રહ્યા છે.દિલ્હીમાં બેઠેલા ભાજપના આકાઓએ હવે પાટીલ પર લગામ મૂકવી જરૂરી છે.વધુમાં તેઓએ જણાવેલ હતું કે પાટીલ સરકારમાંથી ડાયરેકટ 5000 જેટલા રેમડેસીવિર ઇન્જેકશન સુરત લઇ ગયા છે.આ ઉપરાંત અમદાવાદમાંથી 10 હજાર રેમડેસીવિર ઇન્જેકશન સુભાષ પાટીલ મુંબઇ લઇ ગયા છે.આ ઇન્જેકશનનો જથ્થો કેવી રીતે તેઓના હાથમાં ગયા? તેવો પ્રશ્ર્ન પણ તેઓએ ઉઠાવ્યો હતો.સાથો સાથ તેઓએ આક્ષેપ કરતા એમ પણ જણાવ્યું હતું કે ભાજપના હોદેદારો ઇન્જેકશનોનો વેપાર કરતા પણ પકડાયા છે.આવા હોદેદારો પર પગલા લેવા જરૂરી છે.


