અમદાવાદ : ડિરેક્ટોરેટ ઑફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ (DRI)એ ICD સાબરમતી ખાતેથી 14.63 ટન રક્તચંદનનો જથ્થો ઝડપી લીધો હતો જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ. 11.70 કરોડ છે.રક્તચંદનનો જથ્થો શારજાહમાં નિકાસ કરવાનો હતો.રક્તચંદનનો જથ્થો ભારત બહાર નીકળે તે પહેલાં જ ઝડપાઈ ગયો હતો.DRIને એવી બાતમી મળી હતી કે દાણચોર સિન્ડિકેટ દ્વારા રક્તચંદનનો ખૂબ જ મોટો જથ્થો વિદેશ મોકલવામાં આવી રહ્યો છે અને તે જુદી જુદી વસ્તુઓમાં છુપાવીને સાબરમતી ICD ખાતે રાખવામાં આવ્યો છે.જેને પગલે DRIના અધિકારીઓએ તરત જ વોચ ગોઠવી દીધી હતી.સાથે સાથે જે તે કન્ટેનરમાં રક્તચંદન જથ્થો છુપાવવામાં આવ્યો છે તેવી બાતમી હતી તેવા કન્ટેનર ચેક કરવાનું અધિકારીઓએ શરૂ કર્યું હતું.DRIના અધિકારીઓએ સાબરમતી ICD ખાતેના એક કન્ટેનરમાંથી અધિકારીઓને ચોક્કસ પેકિંગમાં લાલ રંગના લાકડાના ટુકડા મળી આવ્યા હતા.સાથે જે તે કન્ટેનરમાંથી વૉલપેપર દર્શાવવામાં આવેલી વસ્તુઓ મળી આવી નહોતી જેને કારણે અધિકારીઓએ લાકડાનો જથ્થો રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસે તપાસ કરાવતા તે રક્તચંદન હોવાનું સામે આવ્યું હતું.
અધિકારીઓએ કન્ટેનરમાંથી 840 લાકડાના લોગ મળી આવ્યા હતા.અધિકારીઓએ 14.63 ટન રક્તચંદનનો જથ્થો કે જેની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત 11.70 કરોડ થાય છે તે કબજે લીધો હતો.આ જથ્થો કોણ વિદેશ મોકલી રહ્યું હતું અને તે કોણે મંગાવ્યો હતો તે અંગેની તપાસ અધિકારીઓ કરી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા લાંબા સમયથી જુદા જુદા પોર્ટ અને એરપોર્ટ પરથી રક્તચંદનની દાણચોરી થઈ રહી છે.DRIના અધિકારીઓએ વર્ષ 2021-22મા દોઢસો કરોડનો રક્તચંદનનો જથ્થો ઝડપી લીધો હતો.અધિકારીઓએ ક્રિષ્નાપટ્ટનમમાંથી,દિલ્હીમાં તુઘલકાબાદ,મુન્દ્રા બંદર,ન્હાવાશેવા બંદરથી જુદી જુદી રીતે વિદેશ લઇ જવાતો રક્તચંદન જથ્થો ઝડપ્યો હતો.


