– માજી ગૃહપ્રધાન અનિલ દેશમુખની સામેના મની લોન્ડ્રિંગ પ્રકરણની તપાસ શરૃ છે
મુંબઇ : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના મુખ્ય સલાહકાર અને માજી સચિવ સિતારામ કુંટેની આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ પૂછપરછ કરી હતી.તેમનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.માજી ગૃહ પ્રધાન અનિલ દેશમુખની સામે મની લોન્ડ્રિંગની ઇડી તપાસ કરી રહી છે.આ પ્રકરણમાં નિવેદન નોંધાવી સહકાર આપવા કુંટે ઈડીની ઓફિસમાં ગયા હતા.મહારાષ્ટ્રમાં દેશમુખ ગૃહ પ્રધાન હતા ત્યારે પોલીસ વિભાગમાં અધિકારીઓની બદલી અને પોસ્ટિંગનું મોટું રેકેટ શરૃ હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે.લાખો રૃપિયા લઈને બદલી અને પોસ્ટિંગ કરવાનો આરોપ છે.
આ મામલામાં કુંટેનું નિવેદન નોંધવામાં આવ્યું હોવાનું કહેવાય છે.અગાઉ ઇડીએ ગૃહ વિભાગના ઉપ સચિવ કૈલાશ ગાયકવાડની પૂછપરછ બાદ નિવેદન નોંધી લીધું હતું.અગાઉ મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમવીરસિંહે મુખ્ય પ્રધાનને પત્ર લખીને આરોપ કર્યો હતો કે ‘દેશમુખે દર મહિને ૧૦૦ કરોડ રૃપિયા વસુલ કરવાનો સિચન વાઝેને ટાર્ગેટ આપ્યો હતો. બાદમાં આર્થિક ગેરવ્યવહાર બદલ દેશમુખની સામે ઈડી અને સીબીઆઇએ તપાસ શરૃ કરી હતી.ઈડીએ વારંવાર સમન્સ આપ્યા છતા હાજર ન થયેલા દેશમુખની છેવટે ધરપકડ કરાઈ હતી.
આ સચિવ તત્કાલિન રાજ્યના ગુપ્તચર વિભાગના પ્રમુખ રશ્મિ શુક્લાના ગોપનીય અહેવાલના આધારે પોલીસે અધિકારીની બદલી અને નિયુક્તી માટે થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવી રહી છે.આ અહેવાલમાં ફોન ટેપિંગનો મામલો પણ સામેલ છે.તત્કાલિન પોલીસના ડીજી સુબોધ જયસ્વાલને રિપોર્ટ આપવામાં આવ્યો હતો.બાદમાં તેમણે રિપોર્ટ ગૃહ વિભાગના પૂર્વ એડિશનલ મુખ્ય સચિવ કુંટેને મોકલીને મુખ્ય પ્રધાન સાથે ચર્ચા કરવા કહ્યું હતું.પણ જરૃરી કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આરોપ છે.