નવી િદલ્હી : નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીએ પૂછપરછની તારીખ પાછી ઠેલવા કરેલી વિનંતીને ઈડીએ ગ્રાહ્ય રાખી છે.મની લોન્ડ્રિંગ કેસમાં રાહુલ ગાંધીને શુક્રવારે પૂછપરછ માટે ED સમક્ષ હાજર થવાનું હતું,પરંતુ રાહુલ ગાંધીએ ગુરુવારે EDને પત્ર લખીને શુક્રવારની પૂછપરછમાંથી રાહત માંગી હતી જેને સ્વીકારવામાં આવી છે.પરિણામે રાહુલ ગાંધી પૂછપરછ માટે શુક્રવારને બદલે 20 મે સોમવારના રોજ ED સમક્ષ હાજર થશે.સૂત્રોના જણાવ્યાં અનુસાર,ઈડીને પત્ર લખીને રાહુલ ગાંધીએ વિનંતી કરી હતી કે નેશનલ હેરાલ્ડ કેસ સંબંધિત કથિત મની લોન્ડ્રિંગ મામલામાં તેમની પૂછપરછને સોમવાર સુધી ટાળી દેવામાં આવે.
અહીંયા નોંધવું રહ્યું કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ઈડી દ્વારા હમણાં સુધી ત્રણ દિવસોમાં લગભગ 28 કલાક પૂછપરછ થઈ ચૂકી છે.સૂત્રોના કહેવા મુજબ રાહુલ ગાંધી અને તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા પોતાની માતા સાથે હોસ્પિટલમાં છે.કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી રવિવારથી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ છે.કોવિડ સંબંધિત ગંભીર સમસ્યાને કારણે તેમની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.બીજી તરફ,ઈડી દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછના વિરોધમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શન ચાલું છે.અહીંયા નોંધવું રહ્યું કે,યંગ ઈન્ડિયનના શેરધારકોમાં સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના કેટલાક નેતાઓ સામેલ છે.આ મામલામાં ઈડીએ સોનિયા ગાંધીને 23 જૂને હાજર થવા કહ્યું છે.
ઈડી દ્વારા રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ મામલામાં કરાઈ રહેલી પૂછપરછની વિગતો લીક થતા કોંગ્રેસે કેન્દ્રીય ગૃહમંત્રી અને કાયદા મંત્રીને નોટિસ મોકલી છે.આ સાથે કોંગ્રેસે ઈડીના એ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી છે,જેમણે રાહુલ ગાંધી સાથેની પૂછપરછ સાથે જોડાયેલી માહિતી કેટલાક મીડિયો જૂથને‘પસંદગી મુજબ’ લીક કરી છે.મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,નાણા મંત્રી નિર્માલ સીતારમન અને કાયદા મંત્રી કિરન રિજ્જૂને નોટિસ મોકલી છે.કોંગ્રેસ સાંસદ વિવેક તન્ખાએ નોટિસમાં કેન્દ્રીય મંત્રીઓને કહ્યું કે,તમે રાજકીય વેરભાવ માટે ઈડીનો ઉપયોગ અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અંગે જૂઠ ફેલાવવાનું બંધ કરો.કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે,રાહુલ ગાંધીની છબી ખરાબ કરવા માટે ઈડી તરફથી ચોક્કસ રીતે માહિતી લીક કરવી એ ગુનો છે.

