નવી િદલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં મંગળવારે સતત બીજા દિવસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આઠ કલાક સુધી પૂછપરછ કરી હતી અને બુધવારે ફરી તેમને બોલાવ્યા છે.બીજી બાજુ સમગ્ર દેશમાં અનેક વિસ્તારોમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શનો કર્યા હતા.તેણે આક્ષેપ કર્યો છે કે વિરોધ પક્ષના નેતાઓ સામે કેન્દ્રે બદલાનું રાજકારણ રમ્યું છે.
રાહુલ ગાંધી સેન્ટ્રલ દિલ્હીમાં એપીજે અબ્દુલ કલામ રોડ ખાતે સવારે આશરે ૧૧:૦૫ કલાકે પહોંચ્યા હતા. તેમની સાથે બહેન અને કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી પણ આવ્યા હતા.તેમની પૂછપરછ સવારે ૧૧:૩૦ કલાકે શરૂ થઇ હતી તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.આશરે ચાર કલાકના સેશન બાદ રાહુલ ગાંધીએ આશરે ૩:૩૦ કલાકે આશરે એક કલાકનો બ્રેક લીધો હતો અને ઘરે ગયા હતા.તેઓ ફરી ૪:૩૦ કલાકે પાછા આવ્યા હતા.દિલ્હી પોલીસના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ઇડીની ઓફિસની ફરતે કલમ ૧૪૪ લાગૂ પડાઇ હતી.ઇડી ઓફિસ જતા તમામ અપ્રોચ રોડ્સ માર્ગો માટે બંધ કરી દેવાયા હતા અને બેરિકેડ્સ મુકી દેવાયા હતા.
એન્ટિ-રાયોટ પોલીસ ફોર્સ આરએએફ અને સીઆરપીએફના જવાનોને તૈનાત કરાયા હતા.કોંગ્રેસ નેતા રણદીપ સરજેવાલા અને યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રીનિવાસ બીવીની સાથે અન્યોની અટકાયત કરાઇ હતી. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું હતું કે નેશનલ હેરાલ્ડ કેસમાં મની લોન્ડરિંગ થયું નથી અને કેન્દ્રીય સંસ્થાઓ સરકાર વતી કામ કરી રહી છે.ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે કહ્યું હતું કે ગાંધી પરિવારને નિશાન બનાવાઇ રહ્યો છે અને તેમને પોલીસ દ્વારા કોંગ્રેસ ઓફિસે જતા અટકાવવામાં આવી રહ્યા છે.રાહુલ ગાંધીએ સોમવારે ઇડીની ઓફિસમાં ૧૦ કલાકથી વધુનો સમય પસાર કર્યો હતો.અહીં તેમને અનેક વખત પૂછપરછ કરાયા હતા અને તેમનું નિવેદન પીએમએલએ હેઠળ નોંધવામાં આવ્યું હતું.અધિકારીઓએ કહ્યું હતું કે કોંગ્રેસના પૂર્વ પ્રમુખની પૂછપરછ સોમવારે પૂર્ણ થઇ શકી નહતી.આથી તેમને ફરી વખત બોલાવવામાં આવ્યા હતા.ઇડીના સુત્રોએ માહિતી આપી હતી કે ગાંધીએ તેમનું નિવેદન નોંધાવ્યું હતું અને તેમના નિવેદનની ચકાસણી કરી હતી.