અમદાવાદ : સીબીઆઈની એન્ટી કરપ્શન વીંગે અમદાવાદના એન્ફેર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ડેપ્યુટી ડિરેક્ટર પૂર્ણકામ સિંઘ અને આસિસ્ટન્ટ ડિરેક્ટર ભુવનેશકુમારની રૂપિયા પાંચ લાખની લાંચના ગુનામાં ધરપકડ કરીને ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.પકડાયેલા બન્ને અધિકારીઓના મોબાઈલ સીબીઆઈએ મેળવીને વોટ્સ એપની માહિતીના આધારે પુછપરછ કરી હતી.જેમાં કેટલાક શંકાસ્પદ નંબરો મળી આવ્યા છે.
સીબીઆઈની ટીમે આ બન્ને અધિકારીઓની ઓફિસમાં બેસીને વિવિધ દસ્તાવેજોની ચકાસણી કરીને પુરાવા એકઠા કર્યા છે.સીબીઆઈના સૂત્રોએ જણાવ્યુ હતુ કે, એન્ફેર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ના ડેપ્યુટી ડિરેક્ટર પૂર્ણકામ સિંઘ અને આસિસ્ટન્ટ ડિરેક્ટર ભુવનેશકુમારના બેંકના ખાતાઓની સોમવારના રોજ તપાસ હાથ ધરાશે.છે.તેમજ બન્ને અધિકારીઓના લોકરને ફીજ કરવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે.આરોપીઓ પાસેથી ઈલેક્ટ્રોનિક પુરાવા મેળવવામાં આવશે.ઈડીના બન્ને અધિકારીઓના અવાજ રેકોર્ડિંગ,કોલડિટેઈલ,ફિંગર પ્રિન્ટ મેળવવામાં આવશે.તેમજ તેમના પરિવારજનોની મિલકતોની સીબીઆઈએ તપાસ હાથ ધરી છે.ઉપરાંત આંગડિયા પેઢી મારફતે પાંચ લાખની લાંચ લેવાઈ હોવાથી આંગડિયા પેઢીના સંચાલકને તપાસ માટે બોલાવ્યા છે. કપડવંજના વેપારીએ સીબીઆઈમાં લેખિત ફરિયાદ કરી હતી કે EDના બે ટોચના અધિકારીએ રૂ.૭૫ લાખની લાંચની માંગણી કરી છે.આ ફરિયાદના આધારે CBIએ ડ્રાઈવ-ઈન રોડ ઉપર આવેલ સત્યા વનના ૧૧માં માળે ઈડીની ઓફિસમાં દરોડા પાડી બંને અધિકારીને ઝડપી લીધા હતા.
અગાઉ બુકીઓના મામલે ઈડીના ઝોનલ ઓફિસર જેલમાં ગયા હતા
ભૂતકાળમાં ઈડીના પૂર્વ ઝોનલ ડાયરેકટર જે.પી.સિંગ અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર સંજયકુમારની સાથે સાથે બુકીઓ વિમલ અગ્રવાલ અને ચંદ્રેશ પટેલ સામે સીબીઆઈએ લાંચ સહિતની કલમો હેઠળ અમદાવાદની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યુ હતુ..જેમાં બુકીઓ પાસે કેટલી રકમ લીધી સહિતના નિવેદનો સહિતના પુરાવા ચાર્જશીટમાં રજૂ કરાયા છે. આમાં પણ વોટ્સ અપ મેસેજ અને લાંચ માટે થયેલી વાતચીતોની સીડી સહિતના પુરાવા રજૂ કર્યા હતા.


