– સંસદના શિયાળુ સત્ર પહેલા સરકારના વટહુકમથી વિવાદ
– મોદી-શાહ શરમજનક રીતે વટહુકમો બહાર પાડીને સંસદને મજાક બનાવી રહ્યા છે : ટીએમસી સાંસદ ડેરેક
– સીબીઆઇ-ઇડીના ડાયરેક્ટરનો કાર્યકાળ બે વર્ષનો હતો તેમાં ત્રણ વર્ષનો વધારો કરાયો
નવી દિલ્હી : ઇડી અને સીબીઆઇના ડાયરેક્ટરનો કાર્યકાળ વધારી દેવામાં આવ્યો છે. રવિવારે ભારત સરકારના ઇડી અને સીબીઆઇના ડાયરેક્ટરનો કાર્યકાળ પાંચ વર્ષનો કરી દેવામાં આવ્યો છે જ્યારે હાલ આ સમયગાળો બે વર્ષનો જ છે.જોકે સરકારના આ નિર્ણયનો વિપક્ષો દ્વારા વિરોધ કરાયો છે.
વિપક્ષનું કહેવું છે કે સરકારે આ નિર્ણય ઉતાવળમાં લીધો છે કેમ કે આ મુદ્દે આગામી દિવસોમાં શરૂ થનારા સંસદીય સત્રમાં તેની ચર્ચા કરવી જરૂરી હતી.મમતા બેનરજીના પક્ષ તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી) અને સીપીઆઇ(એમ)એ રવિવારે કેન્દ્ર સરકારને આ કાર્યકાળ લંબાવવા બદલ ઘેરી હતી.કેન્દ્ર સરકારે સીબીઆઇ અને ઇડીના ડાયરેક્ટરનો કાર્યકાળ લંબાવીને પાંચ વર્ષ કરવા માટે જે વટહુકમ બહાર પાડયો છે તેની ટીકા કરતા વિપક્ષે કહ્યું હતું કે સરકારે સંસદમાં શરૂ થનારા સત્રની રાહ જોવી જોઇતી હતી.
હવેથી સીબીઆઇ અને ઇડીના ડાયરેક્ટરનો કાર્યકાળ બે વર્ષથી વધારીને પાંચ વર્ષનો રહેશે.બીજી તરફ સંસદીય સત્ર 29મી નવેમ્બરના રોજ શરૂ થવા જઇ રહ્યું છે.એટલે કે સરકારે સંસદનું સત્ર શરૂ થાય તેના 15 દિવસ પહેલા જ એક વટહુકમ બહાર પાડીને સીબીઆઇ અને ઇડીના ડાયરેક્ટરના કાર્યકાળને પાંચ વર્ષનો કરી દીધો છે.આ મુદ્દે વાત કરતા સીપીઆઇએમના જનરલ સેક્રેટરી સિતારામ યેચુરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે સીબીઆઇ અને ઇડીના ડાયરેક્ટરનો કાર્યકાળ લંબાવવાનો નિર્ણય સ્ક્રૂટનિ વગર જ લઇ લીધો હતો.જે દર્શાવે છે કે સરકાર આ મામલે ભારે ઉતાવળ કરી રહી છે.
જ્યારે ટીએમસીના સાંસદ ડેરેક ઓબ્રેને કહ્યું હતું કે આ વટહુકમ સંસદની મજાક બનાવવા માટે લાવવામાં આવ્યો છે.મોદી અને અમિત શાહ કોઇ પણ પ્રકારની શરમ રાખ્યા વગર વટહુકમો બહાર પાડી રહ્યા છે અને સંસદનું અપમાન કરી રહ્યા છે.આજે પણ આ જ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો જેમાં પોતાના માનિતા પેટ પેરોટ્સને રાખવાનો તખ્તો તૈયાર કરાયો છે.

