– લોકોને નિયંત્રિત કરવા માટે પોલીસે વોટર કેનન અને ટીયર ગેસના શેલ છોડ્યા
બેલ્જિયમ, તા. 28 નવેમ્બર 2022, સોમવાર : ફિફા વર્લ્ડ કપ 2022માં મોરોક્કો સામેની હારને બેલ્જિયમના ફૂટબોલ ચાહકો પચાવી શક્યા નથી.પરિણામ એ આવ્યું કે, એ હારની વાસ્તવિક અસર બ્રસેલ્સની શેરીઓમાં દેખાઈ આવી છે કતારમાં ચાલી રહેલી ફિફા વર્લ્ડ કપ મેચમાં રવિવારે બેલ્જિયમ પર મોરોક્કોની જીત બાદ હિંસા ફાટી નીકળી છે.ત્યારબાદ બેલ્જિયમ પોલીસે એક ડઝન લોકોની અટકાયત કરી અને ધરપકડ પણ કરી હતી.બીજી તરફ વિરોધીઓએ બ્રસેલ્સમાં એક કાર અને કેટલાક ઈલેક્ટ્રિક સ્કૂટરને આગ લગાવી દીધી હતી.બ્રસેલ્સમાં ઘણી જગ્યાએ તોફાનો ફાટી નીકળ્યાના અહેવાલો છે જેને કાબૂમાં લેવા માટે પોલીસને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.
બેલ્જિયમની રાજધાનીમાં ડઝનેક સ્થળોએ રમખાણો થયા હતા જેમાંથી કેટલાક ફૂટબોલ ચાહકો મોરોક્કોના ધ્વજમાં લપેટાયેલા હતા.બીજી તરફ લોકોને નિયંત્રિત કરવા માટે પોલીસે વોટર કેનન અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા.પોલીસ પ્રવક્તા ઈલ્સે વાન ડી કીરેએ જણાવ્યું હતું કે હાલમાં અહીં સ્થિતિ નિયંત્રણમાં છે અને હિંસક અથડામણો થઈ હોય તેવા વિસ્તારોમાં સાવચેતીભર્યું પોલીસ પેટ્રોલિંગ ચાલુ છે.
મેટ્રો અને ટ્રામ સેવા બંધ કરી
બ્રસેલ્સના મેયર ફિલિપ ક્લોસે લોકોને શહેરના કેન્દ્રથી દૂર રહેવાની સલાહ આપી છે.તેમણે કહ્યું કે, પોલીસ અધિકારીઓ રસ્તાઓ પર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.સુરક્ષાના કારણોસર પોલીસે સાવચેતીના પગલારૂપે ત્યાં મેટ્રો અને ટ્રામ સેવા બંધ કરવી પડી હતી.હિંસા ફેલાતી રોકવા માટે મેટ્રો સ્ટેશનોના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા અને શેરીઓમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હતું.
એક પત્રકાર ઈજાગ્રસ્ત થયો
પોલીસે જણાવ્યું હતું કે પ્રદર્શનકારીઓએ આતશબાજી સામગ્રી,પ્રોજેક્ટાઈલ અને લાઠીઓનો ઉપયોગ કર્યો હતો અને જાહેર મારેગ પર આગ ચાંપી દીધી હતી.આતશબાજીના કારણે એક પત્રકારના ચહેરા પર ઈજા થઈ હતી.પોલીસે હંગામો રોકવા અને તોફાનીઓને કાબૂમાં લેવા માટે વોટર કેનન અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો.પોલીસ આ વિસ્તારોમાં તોફાની તત્વો પર સતત નજર રાખી રહી છે.પોલીસને આશંકા છે કે, શહેરમાં ફરી અશાંતિનું વાતાવરણ સર્જાઈ શકે છે.આ સાથે પોલીસ કસ્ટડીમાં લેવામાં આવેલા લોકોની પણ પૂછપરછ કરી રહી છે.પોલીસ રમખાણો પાછળનું ચોક્કસ કારણ અને તેની પાછળ કોણ છે તે જાણવાનો પ્રયાસ કરી રહી છે.