ન્યુ દિલ્હી,તા.૨૦
સુપ્રીમ કોર્ટે ૧૯૯૭ ઉપહાર સિનેમા અગ્નિકાંડ મામલે પીડિતોના એક સંઘની સુધારાત્મક અરજી ફગાવી દીધી છે. જેનો અર્થ તે થયો કે અંસલ બંધુઓની જેલની સજા હવે નહીં વધે. સીજેઆઈ એસ.એ.બોબડે, જસ્ટિસ એન.વી.રમણ અને જસ્ટિસ અરૂણ મિશ્રાની બેંચે ઉપહાર કાંડ પીડિત સંઘની સુધારાત્મક અરજી પર બંધ રૂમમાં સુનાવણી કરી તેને ફગાવી દીધી હતી. બેંચે પોતાના આદેશમાં કહ્યું કે અમે સુધારાત્મક અરજી અને પ્રાસંગિક દસ્તાવેજ પર વિચાર કર્યો છે.
અમારા મતે કોઈ મામલો નથી બનતો તેથી સુધારાત્મક અરજી ફગાવવામાં આવે છે. આ પહેલાં ૯ ફેબ્રુઆરી, ૨૦૧૭નાં રોજ ત્રણ જજની બેંચે ૨ જેમ ૧ના બહુમતીવાળા ફેંસલામાં ૭૮ વર્ષના સુશીલ અંસલની ઉંમરને ધ્યાનમાં રાખીને પડતી મુશ્કેલીના કારણે જેલમાં રહેવાની અવધિના બરાબર સજા આપીને રાહત આપી હતી. બેંચે તેમના નાના ભાઈ ગોપાલ અંસલને શેષ એક વર્ષની સજા પૂરી કરવાનું કહ્યું હતું. દિલ્હીની ઉપહાર સિનેમામાં ૧૩ જૂન, ૧૯૯૭નાં રોજ બોર્ડર ફિલ્મના શો દરમિયાન આગ લાગી હતી જેમાં ૫૯ લોકોના મોત નિપજ્યા હતા.