ન્યૂઝીલેન્ડના બેટ્સમેન રોસ ટેલરે અત્યાર સુધી 100 ટેસ્ટ. 231 વનડે અને 100 ટી-20 મેચ રમી છે
એજન્સી, નવી દિલ્હી
ન્યૂઝીલેન્ડનો બેટ્સમેન રોસ ટેલર ક્રિકેટના ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વનડે અને ટી-20)માં 100-100 મેચ રમનાર દુનિયાનો પહેલો ખેલાડી બની ગયો છે. રોસે 14 વર્ષની કારકિર્દીમાં શુક્રવારે ભારતની વિરુદ્ધ 100મી ટેસ્ટ દરમિયાન આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. ટેલરની બાદ આ યાદીમાં પહોંચી શકે તેવા બેટ્સમેનોમાં ભારતના રોહિત શર્મા અને પાકિસ્તાનના શોએબ મલિક છે. આ બંને ખેલાડીઓએ વનડે અને ટી-20માં 100થી વધારે મેચ રમી છે. જો કે શોએેબે 35 અને રોહિતે માત્ર 32 ટેસ્ટ મેચ જ રમી છે. તેથી બંને ખેલાડી ટેલરના રેકોર્ડથી ઘણા દૂર છે.
ટેલરે 99 ટેસ્ટમાં 46.28ની એવરેજથી 7174 રન બનાવ્યા છે જેમાં 19 સદી અને 33 અડધી સદી સામેલ છે. તેણે 231 વનડેમાં 8570 રન બનાવ્યા છે જેમાં 31 સદી અને 51 અડધી સદી ફટકારી છે. ત્યાં 100 ટી-20માં 7 અડધી સદીની મદદથી 1909 રન બનાવ્યા છે. કીવીના બેટ્સમેને તેની 100મી ટી-20 પણ ભારતની સામે જ 2 ફેબ્રુઆરીના રોજ માઉન્ટ માઉનગુઇમાં રમી હતી.
ટેલરે જણાવ્યું હતું કે, મને લાગે છે હું હજુ પણ આ ટીમ માટે લાયક છું. હું હજુ પણ સારી ફીલ્ડિંગ કરી રહ્યો છું અને વધારે રન બનાવવા માગું છું. મને આ વાતની ખુશી છે. ટેલરે નવેમ્બર 2006માં વેસ્ટ ઈન્ડિઝની સામે વનડેથી ડેબ્યુ કર્યુ હતું. ટેલર ટેસ્ટ અને વનડેમાં ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધારે રન બનાવનારો બેટ્સમેન પણ છે. જો કે ટી-20માં તે ભૂતપૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમ અને માર્ટિન ગુપ્ટિલથી પાછળ છે.