બીજિંગ,તા.૨૧
નવા જીવલેણ વાઈરસના ચેપનો ભોગ બનેલા ૮૦ વર્ષ કરતા વધુ ઉંમરના લોકો તેમજ હાલ બીમાર લોકોનાં મૃત્યુની શક્યતા સૌથી વધુ હોવાનું એક અભ્યાસના તારણોમાં જણાવવામાં આવ્યું હતું. ૪૪૦૦૦ લોકોને આ અભ્યાસ હેઠળ આવરી લેવામાં આવ્યા હતા.
કોરોના વાઈરસની અસર પામેલા ૪૪૬૭૨ લોકોમાંથી ૧૧ ફેબ્રુઆરી સુધીમાં ૨.૩ ટકા એટલે કે અંદાજે ૧૦૨૩ લોકો મૃત્યુ પામ્યાં હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. જીવલેણ કોરોના વાઈરસને કારણે અત્યાર સુધીમાં અંદાજે ૧૮૦૦ જણનાં મોત થયાં હોવા ઉપરાંત ૭૨૦૦૦ લોકોને તેનો ચેપ લાગ્યો છે, એમ ચીનના આરોગ્ય ખાતાના અધિકારીએ કહ્યું હતું.
ચાઈનીઝ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્સનના જણાવ્યાનુસાર કોરોના વાઈરસનો જેમને ચેપ લાગ્યો છે તેવા દરદીઓમાં મોટાભાગના ૩૦થી ૬૯ વર્ષની વયજૂથના (૭૭.૮૦ ટકા), પુરુષ (૫૧.૪૦ ટકા), ખેડૂતો કે શ્રમીકો (બાવીસ ટકા) અને હુબેઈ પ્રાન્તના ૭૪.૭૦ ટકા લોકોનો સમાવેશ થાય છે.
અભ્યાસમાં જણાવ્યાનુસાર કોરોના વાઈરસને કારણે મૃત્યુ પામનારાંઓમાં તમામ વયજૂથમાંથી ૮૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોની સંખ્યાનો આંક સૌથી વધુ એટલે કે ૧૫ ટકા જેટલો છે.
ચીનના અન્ય વિસ્તારની સરખામણીએ હુબેઈ પ્રાન્તમાં કોરોના વાઈરસને કારણે મૃત્યુ પામનારાઓનું પ્રમાણ સાતગણા કરતા પણ વધુ છે, એમ તેમણે કહ્યું હતું.
અન્ય વિસ્તારની સરખામણીએ આ પ્રમાણ ત્રણ ટકા કરતા પણ વધુ હોવાનું તેમણે કહ્યું હતું.