ન્યુ દિલ્હી,તા.૨૧
નિર્ભયાના રેપ અને હત્યાના ચારે દોષિતોને ૩ માર્ચે ફાંસી આપવાનુ નવુ ડેથ વોરંટ બહાર પડયુ છે ત્યારથી તેમના વર્તનમાં બદલાવ આવવા માંડયા હોવાનુ તિહાડ જેલ પ્રશાસનનુ કહેવુ છે.
જેલના સત્તાધીશોના કહેવા પ્રમાણે દોષી મુકેશ સિંહ અને વિનય શર્મા છેલ્લા કેટલાક દિવસોથી જેલના સ્ટાફ સાથે હિંસક વર્તણૂંક કરી રહ્યા છે. હેલ્થ ચેકઅપ માટે આવનારા સ્ટાફ સાથે પણ બંને જણાએ બદતમીજી કરી છે.
તિહાડ જેલ પ્રશાસનના કહેવા પ્રમાણે તેમને નાની-નાની વાત પર ગુસ્સો આવી રહયો છે. જેના પગલે હવે જેલ પ્રશાસને તેમને ગુસ્સા પર કાબૂ મેળવવાના એટલે કે એન્ગર મેનેજમેન્ટના પાઠ ભણાવવાનુ પણ નક્કી કર્યુ છે.
સૂત્રોના કહેવા પ્રમાણે જેલના કર્મચારીઓ ભોજન આપવા જાય છે ત્યારે પણ વિનય શર્મા તેમની સાથે ખરાબ વર્તન કરે છે. મુકેશે તો જેલના નિયમોનુ પાલન કરવાની પણ ના પાડી દીધી હતી.
નોંધનીય છે કે, વિનયે પોતે માનસિક રીતે અસ્વસ્થ હોવાથી ફાંસી આપવામાં ના આવે તેવી પિટિશન હાઈકોર્ટમાં દાખલ કરી હતી. જોકે તપાસ દરમિયાનમાં તેના દાવાની પોલ ખુલી ગઈ હતી.
બીજી તરફ જેલ સત્તાધીશોએ દોષિતોને ગુસ્સા પર કાબૂ મેળવવાનુ શીખવા માટે એક એનજીઓની મદદ માંગી છે. બીજી તરફ તેમના વર્તનમાં આવેલા બદલાવના પગલે હવે જેલ પ્રશાસને તેમના પર વોચ વધારી દીધી છે.