કોરોના વાયરસ : દિલ્હીમાં આઇટીબીપીમાં રખાયેલા ૪૦૬ ભારતીયોનો રિપોર્ટ નેગેટિવ

260

ન્યુ દિલ્હી/બેઇજિંગ,તા.૨૧
દિલ્હીના છાવલા સ્થિત આઈટીબીપી ઓબઝર્વેશન સેન્ટરમાં રાખવામાં આવેલા ૪૦૬ ભારતીયોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ૧ અને ૨ ફેબ્રુઆરીએ વુહાનથી પરત ફર્યા બાદ તમામને અહીં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. ભારત હવે સંપૂર્ણ રીતે કોરોનાવાયરસના સંક્રમણથી મુક્ત થઈ ગયું છે. કેરળના સંક્રમિત ત્રણ વિદ્યાર્થીઓની સ્થિતિ સારી થઈ ગઈ છે. તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. બીજી તરફ ચીનમાં નોવેલ કોરોનાવાયરસ(કોવિડ-૧૯)થી ગુરુવારે ૧૧૮ લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં મરનારાઓની સંખ્યા ૨૨૩૬ થઈ ગઈ છે. ૭૫,૪૬૫ સંક્રમણના મામલાઓની પુષ્ટિ થઈ ચુકી છે.
ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે લાખો લોકોના થર્મલ સ્ક્રીનિંગ બાદ કુલ ૨,૬૫૪ લોકોના નમૂના શંકાના આધારે તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તેમાં માત્ર ત્રણનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ચીનના વુહાનમાંથી ૧ અને ૨ ફેબ્રુઆરીએ એર ઈન્ડિયાના વિમાનથી માલદીવના નાગરિકો સહિત ૬૪૭ લોકોને કાઢવામાં આવ્યા હતા. તમામને દિલ્હીના આઈટીબીપી અને માનેસરના સૈન્ય કેન્દ્રમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.
સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને સોમવારે આઈટીબીપી સેન્ટરમાં વુહાનથી પરત ફરેલા ભારતીયો સાથે મુલાકાત કરી હતી. ૪૦૬માંથી લગભગ ૨૦૦ લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. સોમવારે તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.

Share Now