ધુમ્મસભર્યા વાતાવરણથી સુરત-ભરૂચમાં ઝીરો વિઝિબિલિટી, વાહનચાલકોને ભારે હાલાકી

273

સુરત,તા.૨૧
ભરૂચ અને સુરતના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. સુરત અને ભરૂચમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. ધુમ્મસને કારણે વિઝિબિલિટી થઈ ગઈ હતી. અને તેને કારણે વાહનચાલકો અટવાઈ ગયા હતા. અને ધુમ્મસની અસર ટ્રેન વ્યવહાર ઉપર પણ પડી હતી. ધુમ્મસને કારણે ૫ જેટલી ટ્રેન નિયત સમય કરતાં મોડી પડી હતી.
ગુજરાતમાં અત્યારે પાનખર ઋતુ શરૂ થઈ રહી છે અને શિયાળો વિદાય લઈ રહ્યો છે. તેવામાં દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ફેરફાર આવતાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ભરૂચમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઝિરો થઇ ગઇ હતી. ભરૂચ-સુરત વચ્ચે ધુમ્મસભર્યાં વાતાવરણના કારણે રેલ વ્યવહારને અસર પહોંચી હતી. મુંબઇ વડોદરા એક્સપ્રેસ, ગાંધીધામ એક્સપ્રેસ,રાજધાની અને ગરીબ રથ સહિતની ૫ જેટલી ટ્રેન નિયત સમયથી ૨૦ મિનિટ જેટલી મોડી પડી હતી.
તો સુરતમાં પણ ધુમ્મસને કારણે રસ્તા પર વાહન ચલાવતાં લોકો અટવાઈ ગયા હતા. સવારના સમયે હેડલાઈટ સિવાય કાંઈ દેખાય નહીં તેવા દ્રશ્યો સર્જાયા હતા. સુરત એરપોર્ટ ઉપર શુક્રવારે સવારે ભારે ધુમ્મસ હોવાને કારણે જયપુર અને દિલ્હીથી આવતી ફ્લાઇટને અસર થઇ હતી. દિલ્હીથી આવતી ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરવામા આવી હતી, જે બાદમાં ૯ઃ૩૦ કલાકે સુરત આવી હતી. દિલ્હીથી સુરત આવતી ફ્લાઇટનો સમય ૭ઃ૩૦ કલાકનો છે.
શિયાળો વિદાય લઈ રહ્યો છે, તેમ છતાં સુરત એરપોર્ટ આસપાસના ખુલ્લા ખેતરોમાં ગાઢ ધુમ્મસ હોવાને કારણે ફ્લાઇટના લેન્ડિંગમા તકલીફો પડે છે, શુક્રવારે સવારે ૭ઃ૨૫ કલાકે જયપુરથી સુરત આવતી ફ્લાઇટને ૩૫ મિનિટ મોડી કરવી પડી હતી.

Share Now