ન્યુ દિલ્હી,તા.૨૩
નિર્ભયા ગેંગરેપ અને મર્ડરના દોષી વિનય શર્માએ ફરીથી પોતાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આ વખતે તેણે સ્ટેપલ પિન ગળવાનો પ્રયાસ કર્યો. જો કે, જેલના અધિકારીઓની નજર તેના પર હતી અને તેને આમ કરતો રોકવામાં સફળ રહ્યા. અધિકારી વિનયને હોસ્પિટલ પણ લઈ ગયા જ્યાં તેની સારવાર કરવામાં આવી. થોડા દિવસ પહેલા પણ તેણે દીવાલ સાથે માથું અથડાવીને પોતાને ઈજાગ્રસ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો.
જેલના સત્તાધીશોએ શનિવારે વિનય શર્મા અને અક્ષય ઠાકુરના પરિવારના સભ્યોને નોટિસ મોકલીને દોષિતોની છેલ્લી મુલાકાત લેવા માટે આવવા કહ્યું. તિહારના સૂત્રોએ જણાવ્યું કે મુકેશ સિંહ અને પવન ગુપ્તાના પરિવારના સભ્યોની છેલ્લી મુલાકાત ગત ડેથ વોરન્ટના સમયે ૩૧ જાન્યુઆરીએ થઈ ગઈ હતી. જેલના એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, ‘અમે અક્ષય અને વિનયને પૂછયું કે તે કયા દિવસે છેલ્લી મુલાકાત કરવા માગે છે? આ સિવાય દર અઠવાડિયે બેવાર નિયમિત મુલાકાતની સુવિધા પણ છે’.
જેલના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ‘ડેથ વોરન્ટ જાહેર થયા બાદથી વિનયનો વ્યવહાર હિંસક થઈ ગયો છે’. જેલના સત્તાધીશોએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે જેલમાં વિનયની શારીરિક અને માનસિક હાલત સ્થિર છે. એક અધિકારીએ કહ્યું કે, દોષિતો પર ૨૪ કલાક નજર રખાઈ રહી છે અને સીસીટીવી દ્વારા તે અધિકારીઓ પર પણ નજર રહે છે.