
-ફ્રી માર્કેટના કારણે વિશ્વસ્તરે મૂડીવાદ વધ્યો, ગરીબો-ધનિકો વચ્ચે આર્થિક અસમાનતાનું વિશાળ રુપ
-મૂડીવાદને સમર્થન આપવામાં સૌથી આગળ યુવાવર્ગ
એજન્સી, નવી દિલ્હી:
આંતરરાષ્ટ્રીય સ્તરે ફ્રી માર્કેટના વધી રહેલા ચલણને કારણે નવી-નવી અનેક ઇન્ડસ્ટ્રી અસ્તિત્વમાં આવી રહી છે, પરિણામે વિશ્વસ્તરે મૂડીવાદના એકમની કાર્યપદ્ધતિમાં જે ફેરફાર આવ્યો છે તેણે ધનિકો અને ગરીબો વચ્ચેના અંતરને અસામાન્ય રીતે વધારી દીધુ છે. એટલે કે ધનિક વધુ પૈસાદાર બનતા જાય છે અને ગરીબ વધારે કંગાળ બનતા જાય છે.
માત્ર નફો કમાવવાની નીતિને કારણે વિશ્વસ્તરે આર્થિક અસમાનતાએ એટલુ મોટુ રુપ લઇ લીધુ છે કે દુનિયાભરના 26 સૌથી ધનિકોની કુલ સંપત્તિ 3.8 અબજ ગરીબોની સંપત્તિના બરાબર થઇ ચૂકી છે.
દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં એમેઝોનના સીઇઓ જેફ બેજોસ, માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ, આરનોલ્ટ, બર્કશાયર હૈથવેના બોસ વોરેન બફે, અમાનશિઓ ઓર્ટેગો, માર્ક ઝકરબર્ગ, લારી એલિસન જેવા લોકો સામેલ છે. ટોપ 10 ધનિકોની સંપત્તિને ભેગી કરવામાં આવે તો 58 દેશોની જીડીપીથી પણ વધારે થાય છે. એશિયામાં સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી છે જે દુનિયાના 13મા સૌથી ધનિક વ્યક્તિ છે.
સૌથી શક્તિશાળી દેશ અમેરિકાની વાત કરીએ તો, અહી વિતેલા 50 વર્ષ દરમિયાન આર્થિક અસમાનતા પ્રબળ રીતે વધી છે. અમેરિકાના 0.1% ધનિકો પાસે સમગ્ર અમેરિકાની કુલ સંપત્તિની 20% સંપત્તિ છે. અમેરિકામાં એવા લોકો પણ છે જે ઇમરજન્સીના સમયે 400 ડોલર ચૂકવી નથી શકતા.
વિશ્વસ્તરે મૂડીવાદનું સમર્થન કરવામાં યુવાવર્ગ સૌથી આગળ છે.