રાજપીપળા નજીક મહારાષ્ટ્રની કારનો ટ્રક સાથે ગમખ્વાર અકસ્માત: ચારના ઘટનાસ્થળે મોત

406

મહારાષ્ટ્ર રાહતા તાલુકાના ભક્તજનો પોતાની કારમાં અમાસ નિમિતે વડોદરા જિલ્લાના કુબેરભંડારી દર્શને આવ્યા હતા, પરત જતી વખતે વહેલી સવારે રાજપીપળા નજીક થયો અકસ્માત

ગુજરાત અને મહારાષ્ટ્રના લોકો વડોદરા જિલ્લાના કુબેરભંડારી મંદિરમાં ઘણી આસ્થા ધરાવે છે. રવિવારે તારીખ ૨૩મીએ અમાસને દિવસે મહારાષ્ટ્રના રાહતા તાલુકામાંથી ચાર લોકો પોતાની કારમાં કુબેરભંડારી દર્શનાર્થે આવ્યા હતા. દર્શન કરી તેઓ પરત ફરી રહ્યા હતા, ત્યારે રાજપીપળા નજીકના વિશાલ ખાડીથી થોડેક દૂરના એક ભયજનક વળાંકમાં એમની કાર ટ્રક સાથે અથડાતા કારમાં મુસાફરી કરી રહેલા ચારેવના ઘટનાસ્થળ જ મોત નીપજ્યા હતા.
મહારાષ્ટ્રના રાહતા તાલુકાના નિર્મલપીમ્પ્લી ગામના નંદકિશોર ઘોરપડે,  ગોરક્ષા એકનાથ અને કોલાર ગામના પ્રવીણ સારંગધર શિરસાઠ તથા કિશોર રાજારામ કોલ્હે કારમાં વાયા રાજપીપળા થઈ વડોદરા જિલ્લાના કુબેરભંડારી દાદાના દર્શનાર્થે ગયા હતા. દર્શન કરી તેઓ ત્યાંથી વહેલી સવારે પોતાના ઘર તરફ જવા નીકળ્યા હતા.  દરમિયાન તારીખ ૨૩મીએ સવારે છ વાગ્યાની આસપાસ રાજપીપળા અને વિશાલ ખાડી વચ્ચે આવતા ભયજનક વળાંકમાં એમની કારનો સામે આવતી ટ્રક સાથે ગમખ્વાર અકસ્માત થયો હતો.
આ અકસ્માતમાં ચારેય કાર સવારોનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું. ગમખ્વાર અકસ્માતને પગલે ત્યાં સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા.બાદ રાજપીપળા નગરપાલિકાની એમ્બ્યુલન્સમાં ચારેવના મૃતદેહોને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે લવાયા હતા.નર્મદા પોલીસે આ અકસ્માત મામલે કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જ્યાં આ અકસ્માત થયો એ વિસ્તારમાં નેટવર્ક ન હોવાથી ૧૦૮ ઇમરજન્સી વાનનો વહેલો સંપર્ક થઈ શક્યો ન હતો.  દરમિયાન સ્થાનિક રહીશોએ જાતે બચાવ કામગીરી ચાલુ કરી હતી,  પણ કમનસીબે કોઈનો જીવ બચ્યો ન હતો.વધુમાં મોડી સાંજે તમામ મૃતદેહનો પોસ્ટ મોર્ટમ કર્યા બાદ એમના મૃતદેહની પરિવારજનોને સોંપણી કરાઈ હતી.નર્મદા પોલીસે આ મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Share Now