નવી દિલ્હી, તા. 24 ફેબ્રુઆરી 2020, સોમવાર
દિલ્હીના શાહીન બાગમાં લગભગ અઢી મહિનાથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શન માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલા મધ્યસ્થીઓએ પોતાની રિપોર્ટ આજે દાખલ કરી દીધી છે. હવે સુપ્રીમ કોર્ટ આ મામલે આગામી સુનવણી કરશે. હાલ આ રિપોર્ટ ગુપ્ત રાખવામાં આવી છે. અરજીકર્તાઓને પણ તેની કોપી આપવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટના જજ જ સૌથી પહેલાં આ રિપોર્ટ જોશે.
સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત મધ્યસ્થી સાધના રામચંદ્રને રિપોર્ટ રજૂ કર્યાં બાદ કહ્યું કે, અમે ખુશકિસ્મત છીએ કે તમે અમને આ તક આપી. આ અમારા માટે શિખવાનો અનુભવ છે. ગત અઠવાડિયે સુપ્રીમ કોર્ટે માર્ગ બંધ કરવાને અયોગ્ય ગણાવી સિનિયર વકિલ સંજય હેગડે અને સાધના રામચંદ્રનને પ્રદર્શનકારીઓ સાથે વાત કરવા કહ્યું હતું. વકિલ પ્રદર્શનકારીઓને સમજાવવામાં નિષ્ફળ રહ્યાં.